ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ ભારતમાં હવામાનની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ છે, મુંબઈમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ અને આસપાસના અનેક વિસ્તારોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાયા છે, હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ સહિતના અન્ય વિસ્તારો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. આ ખરાબ હવામાનને કારણે રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેથી ટ્રેનની મુસાફરી પણ મુશ્કેલ બની ગઈ છે. હવે હવામાન વિભાગે શુક્રવારે પણ મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
બીએમસી દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આંકડાઓમાં બોરીવલીમાં 146 મીમી, કાંદિવલીમાં 133, કોલાબામાં 103 અને ફોર્ટ વિસ્તારમાં 101 મીમી વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે ટ્રેન સેવા લગભગ 15 મિનિટ મોડી ચાલી રહી હતી. આ મુશ્કેલીઓને કારણે BMCએ ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી હતી. વરસાદને કારણે શુક્રવારે થાણેમાં તમામ સરકારી શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
વરસાદનો કહેર તેલંગાણામાં પણ જોવા મળ્યો હતો, જ્યાં હૈદરાબાદ નજીકના પૂર પ્રભાવિત ગામમાં અડધો ડઝનથી વધુ લોકો ફસાયા હતા, જેમને વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યમાં પ્રવર્તતી પૂર જેવી સ્થિતિ અંગે ચર્ચા કરી છે.
જણાવી દઈએ કે તેલંગાણામાં વરસાદ અને પૂરના કારણે છેલ્લા એક સપ્તાહમાં લગભગ 8 લોકોના મોત થયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો છે, પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે શુક્રવારે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જો દિલ્હી-NCR વિસ્તારની વાત કરીએ તો હવામાન વિભાગે શુક્રવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વાદળો ભારે વરસી રહ્યા છે અને યમુના, હિંડોન, ગંગાની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.