Mumbai Local Mega Block: મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. 30 જાન્યુઆરીના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં 5 કલાકનો મેગા બ્લોક છે. ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ રિપેરિંગ કામોને કારણે આ મેગા બ્લોક (Mega Block) સેન્ટ્રલ લાઈન અને હાર્બર લાઇનમાં રહેશે. મધ્ય રેલવે દ્વારા આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. આ મેગા બ્લોક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર સુધીની લાઇન પર મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત હાર્બર લાઇન પર પનવેલથી વાશી સુધીના આ મેગા બ્લોક રહેશે. જો કે આ દરમિયાન બેલાપુર-ખારકોપર-નેરુલ વચ્ચે સેવાઓ ચાલુ રહેશે. આ મેગા બ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેનને પણ અસર થઈ છે. કોલ્હાપુર જતી કોયના એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. મધ્ય રેલવે વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
મેગા બ્લોકના સમયની વાત કરીએ તો સેન્ટ્રલ લાઇન પર સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. જ્યારે હાર્બર લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. મેગા બ્લોક દરમિયાન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ મધ્ય રેલવેએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
Mega Block on 30.1.2022 pic.twitter.com/RySr5klI2R
— Central Railway (@Central_Railway) January 29, 2022
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેગા બ્લોક દરમિયાન, બેલાપુર-નેરુલ અને ખારકોપર વચ્ચેની ટ્રેનો તેમના સમયપત્રક અનુસાર ચાલતી રહેશે. આ ઉપરાંત બેલાપુર-ખારકોપર સ્ટેશનો વચ્ચેની સેવાઓ પણ ચાલુ રહેશે, પરંતુ નેરુલ-ખારકોપરની સેવાઓ રદ કરવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા મુસાફરોને આ અંગે માહિતી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, આ મેગાબ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કોલ્હાપુર જતી કોયના એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેએ પણ પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.જો કે બપોરે 3.55 વાગ્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર ટ્રેક સુધી સેવાઓ સામાન્ય રહેશે.