ટાટા મેમોરીયલ હોસ્પીટલમાં ઘણા દર્દીઓ દુર દુરથી પોતાનો ઈલાજ કરાવવા માટે આવતા હોય છે. હોસ્પીટલ દર્દી નારાયણથી ભરેલી હોય છે. જેના કારણે ઘણા લોકો લાઈનમાં પણ ઉભા હોય છે. આ દર્દીઓને જલ્દીથી સારવાર મળી રહે અને લાઈનમાં ઉભા રહેવુ ન પડે તે માટે એક ઉદાર મહીલાએ પોતાની જમીન ટાટા મેમોરીયલને દાન કરી દીધી છે.
દાન કરવામાં આવેલી જમીન હાલની ટાટા હોસ્પીટલથી ફક્ત 400 મીટરના અંતરે આવેલી છે અને આ જમીનની કિંમત લગભગ 120 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી રહી છે. આ જમીન કેમો થેરાપી સેન્ટર શરૂ કરવા માટે આપવામાં આવી છે.
કોણે દાનમાં આપી જમીન
દીપીકા મંડલ નામની 61 વર્ષીય મહીલાએ પોતાના પુર્વજો તરફથી મળેલી અને પોતાની માલીકીની આ જમીનને દાનમાં આપી છે. ટાટા હોસ્પીટલને મળેલી આ જમીન આશરે 30,000 સ્કેવર ફુટમાં ફેલાયેલી છે. આ સાથે જ અન્ય 18 પરોપકારી લોકોએ સાથે મળીને આ સેન્ટરના નિર્માણ માટે સંયુક્ત રીતે દાન આપ્યુ છે. જાણવા મળ્યું છે કે આ લોકો દ્વારા દાનમાં અપાયેલી રકમ આશરે 18 કરોડ રૂપિયા છે.
કેન્સરના ઈલાજ માટે દેશભરમાંથી અહી આવે છે લોકો
દેશભરમાંથી કેન્સરનો ઈલાજ કરાવવા માંગતા દર્દીઓ આ હોસ્પીટલમાં આવે છે. આ કારણે અહીં ઈલાજ કરાવવા ઈચ્છતા દર્દીઓનું લીસ્ટ ઘણું લાંબુ હોય છે. આ જમીન મળવાથી વધારે દર્દીઓનો જલ્દીથી ઈલાજ થઈ શક્શે તેમજ લાંબી રાહ પણ જોવી નહી પડે. ટાટા મેમોરીયલ હોસ્પીટલ કેન્સરના દર્દીઓનો ઈલાજ કરનારી દેશની સૌથી મોટી હોસ્પીટલ છે.
હોસ્પીટલના અધિકારીઓએ જણાવ્યું કે, દર્દીઓની સંખ્યા વધી હોવાથી જગ્યા ઓછી પડે છે આવી પરીસ્થીતીમાં દાનમાં મળેલી આ જમીન ખૂબ ઉપયોગી થશે.
4 ફ્રેબ્રુઆરીએ મનાવવામાં આવે છે વિશ્વ કેન્સર દીવસ
એક અંદાજ મુજબ, 2005 માં 7.6 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. દરેક વ્યક્તિ આટલી મોટી સંખ્યામાં કેન્સરના કારણે થયેલા લોકોના મૃત્યુ અને વૈશ્વિક સ્તરે આ રોગના ફેલાવાને લઈને ખૂબ ચિંતિત છે. આ કારણોસર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દર વર્ષે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેથી આ ભયાનક રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય.
વિશ્વમાં કેન્સર પ્રત્યે જાગૃતિ અને તેને કઈ રીતે અટકાવી શકાય છે તે વિશે વધુમાં વધુ લોકોને જાગૃત કરવા માટે વિશ્વ કેન્સર દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2006 માં પ્રથમ વખત વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.