Mumbai Corona Update : મુંબઈમાં ઘણા દિવસો બાદ કોરોના સંક્રમણમાં (Mumbai Corona Case) ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા BMCએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે એક દિવસમાં 11 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ક્રમશ વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલ લાંબા સમય બાદ કોરોના કેસમાં (Corona) આંશિક રાહત જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 57,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 હજારથી ઓછા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે રિકવરી રેટ (Recovery Rate) સુધરીને 92% પર પહોંચી ગયો છે. આ સાથે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાતથી(UAE) મુંબઈ આવનારા મુસાફરો માટે નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.
રવિવારે BMC દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં મુજબ, દુબઈ સહિત UAEથી આવતા મુસાફરો માટે હવેથી કોઈ ખાસ SOP લાગુ નહીં થાય. જોખમ ધરાવતા દેશો સિવાયના દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લાગુ પડતી માર્ગદર્શિકા જ હવેથી UAEથી આવતા પ્રવાસીઓને પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં દુબઈ સહિત UAEથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ નિયમ 17 જાન્યુઆરીની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રવિવારે જણાવ્યુ હતુ કે, જો કોરોના સંક્રમણ ઘટવાનુ વલણ ચાલુ રહેશે તો રાજ્ય સરકાર આગામી 10-15 દિવસ પછી શાળાઓ ફરીથી ખોલવાનું વિચારશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શાળાઓ ફરીથી ખોલવાની માગ ઉઠી રહી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, અમે 10-15 દિવસ પછી શાળાઓ ખોલવા અંગેવિચાર કરીશું કારણ કે બાળકોમાં સંક્રમણનો દર ખુબ ઓછો છે.
તમને જણાવી દઈએ કે, રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 41 હજાર 327 નવા કેસ નોંધાયા છે. જો કે એક જ દિવસમાં 40 હજાર 386 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ સિવાય રવિવારે કોરોનાને કારણે 29 લોકોના મોત પણ થયા છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો દરરોજ ચાલીસ હજારને પાર કરી રહ્યો છે.
આ પણ વાંચો : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ન ઘટી કોરોનાની રફતાર, આંકડો ફરી 41 હજારને પાર અને 29ના મોત