Maharashtra : મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં કોવિડ 19 વાયરસના સાતમા જીનોમ સિક્વન્સિંગ (Genome Sequencing Test) ટેસ્ટમાં 282 કોરોના પોઝિટિવ કેસના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓમિક્રોનના લગભગ 156 એટલે કે 55 ટકા દર્દીઓ સામે આવ્યા છે. આ રીતે મુંબઈમાં ઓમિક્રોનના કોમ્યુનિટી સ્પ્રેડનો (Community Spreader) ખતરો વધી રહ્યો છે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે.
જો કે, રાહતની વાત એ છે કે આ 156 ઓમિક્રોન સંક્રમિતોમાંથી માત્ર 9 સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સ્પષ્ટતા કરી છે કે આ દર્દીઓમાં ઓમિક્રોનના (Omicron) હળવા લક્ષણો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરી અને પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે સંયુક્ત રીતે આ નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 282 સેમ્પલનો રિપોર્ટ શુક્રવારે બહાર આવ્યો હતો. જેમાંથી 13 ટકા ડેલ્ટા વેરિએન્ટ અને 55 ટકા ઓમિક્રો વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. એટલે કે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે શહેરમાં ડેલ્ટા વેરિઅન્ટની (Delta Variant) અસર ઘટી રહી છે અને ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓમિક્રોનના જીનોમ સિક્વન્સિંગ તપાસ માટે 21 અને 22 ડિસેમ્બરે કોરોના સંક્રમિત દર્દીના નમૂના મોકલવામાં આવ્યા હતા. હાલ 156 ઓમિક્રોન સંક્રમિતમાંથી નવ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે રાહતની વાત એ છે કે, આ તમામ ઓમિક્રોન સંક્રમિતોની તબિયત હાલ સ્થિર છે. હાલ ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના કેસમાં ઉછાળો આવતા હાલ તંત્રની ચિંતા વધી છે.
વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રાજ્યમાં કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. હવેથી સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 વ્યક્તિઓ તેમજ અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો જ સામેલ થઈ શકશે. સાથે જ રાજ્યમાં ભીડ એકઠી ન થાય તે માટે તંત્રને રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?