Nandurbar Breaking News : મૃત્યુ અને જીવન વચ્ચે માત્ર એક દોરડું! તોરણમાળની ખીણ પર ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Video
મહારાષ્ટ્રના નંદુરબારના તોરણમાળમાં 3,500 ફૂટ ઊંડી ખીણ પર ઝિપલાઇન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક પ્રવાસી હવામાં જ ફસાઈ ગયો. કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને પ્રવાસીને સુરક્ષિત રીતે બચાવી લીધો.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રસિદ્ધ હિલ સ્ટેશન તોરણમાળ ખાતે આવેલા સીતાખાઈ પોઇન્ટ પર એક ચિંતાજનક ઘટના સામે આવી. અહીં આશરે 3,500 ફૂટ ઊંડી ખીણ ઉપર ઝિપલાઇનની મજા માણી રહેલો એક પ્રવાસી અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ઝિપલાઇનના મધ્યભાગમાં જ અટવાઈ ગયો હતો.
આ ઘટના બનતા સ્થળ પર હાજર અન્ય પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ઝિપલાઇન સંચાલન સાથે જોડાયેલા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને તેનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા સાધનોની મદદથી ફસાયેલા પ્રવાસીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.
ટેકનિકલ ખામી અંગે તપાસ શરૂ કરવામાં આવી
લાંબા અને જહેમતભર્યા બચાવ અભિયાન બાદ પ્રવાસીને સલામત રીતે બચાવામાં આવ્યો હતો. પ્રવાસી સુરક્ષિત હોવાની માહિતી મળતા હાજર લોકો અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. આ સમગ્ર ઘટનાએ એડવેન્ચર પ્રવૃત્તિઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની મહત્વતા ફરી એકવાર ઉજાગર કરી છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને ઝિપલાઇનમાં સર્જાયેલી ટેકનિકલ ખામી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.