
મહારાષ્ટ્ર FDA એ ફ્રુટી અને એપ્પી ફિઝ જેવા લોકપ્રિય પીણાં બનાવતી કંપની પાર્લે એગ્રોના મુંબઈ વેરહાઉસ સામે મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં એક્સપાયર્ડ ફ્રુટી, એપ્પી ફિઝ અને કેન્ડી જ્યુસનો સ્ટોક મળી આવ્યો હતો. અધિકારીઓએ એક્સપાયર્ડ ડેટવાળી બોટલો જપ્ત કરી છે અને વેરહાઉસનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યું છે. આ કાર્યવાહી મુંબઈમાં FDA ના ચાલી રહેલા ખાદ્ય સુરક્ષા અભિયાન વચ્ચે કરવામાં આવી છે. અધિકારીઓએ વેરહાઉસને સીલ કરી દીધું છે અને ત્યાંથી માલની નિકાસ અથવા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
મહારાષ્ટ્ર FDA ટીમે મુંબઈના ચેમ્બુરમાં પાર્લે એગ્રોના વેલોસિટી એક્સપ્રેસ વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. આ વેરહાઉસ LU ગડકરી માર્ગના વાશી નાકા વિસ્તારમાં પ્રયાગ નગરમાં સ્થિત છે. નિરીક્ષણ દરમિયાન, અધિકારીઓને ફ્રુટી, એપી ફિઝ અને કેન્ડી જ્યુસના અસંખ્ય એક્સપાયર થયેલા બેચ મળી આવ્યા. આ વસ્તુઓના વેચાણ અને પરિવહન પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુત્રો અનુસાર, FDA કામગીરી 13 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને 14 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહી. આ કામગીરીમાં FDA ના આઠ અધિકારીઓ સામેલ હતા. અધિકારીઓએ એક્સપાયર થયેલા સ્ટોકને જપ્ત કર્યો અને વેરહાઉસને સીલ કરી દીધું. ઉત્પાદનોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા.
કાર્યવાહી બાદ, FDA એ વેરહાઉસનું ફૂડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સૂચના સુધી પરિસરમાંથી કોઈપણ ખાદ્યપદાર્થો કે પીણાં વેચવા કે પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ કાર્યવાહી ખાદ્ય સુરક્ષા અને એક્સપાયર થયેલા ઉત્પાદનોના વેચાણ અથવા પુરવઠા અંગે ચાલી રહેલી કડકતાનો એક ભાગ છે.
રિપોર્ટમાં એ નથી જણાવાયું કે જપ્ત કરાયેલો સ્ટોક બજારમાં વેચાણ માટે પહોંચ્યો હતો કે નહીં. સાથે જ તે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવ્યો હતો ક નહીં. FDA એ હાલમાં ફક્ત વેચાણ અને પરિવહનમાંથી સ્ટોક સ્થગિત કર્યો છે. તેથી ગ્રાહકોએ આ ઘટના અંગેની અફવાઓ પર આધાર રાખવાને બદલે અપડેટ્સની રાહ જોવી જોઈએ.
પાર્લે એગ્રોના વેરહાઉસ પર આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્ર FDA મુંબઈમાં ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત નિરીક્ષણ કરી રહ્યું છે. અગાઉ 12 ઓગસ્ટના રોજ ચાર ડોમિનોઝ પિઝા આઉટલેટ્સના ફૂડ બિઝનેસ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.