‘ગુલાબ’ વાવાઝોડાએ વેર્યો વિનાશ ! 30 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થતા તાતની વધી મુશ્કેલી

કૃષિ પ્રધાને ગુલાબ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે, ખેડૂતોને એક વર્ષથી ઓછા સમયમાં ત્રીજી વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે.

ગુલાબ વાવાઝોડાએ વેર્યો વિનાશ !  30 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થતા તાતની વધી મુશ્કેલી
Cyclone Gulab damaged crops on 30 lakh hectares
| Edited By: | Updated on: Oct 02, 2021 | 1:30 PM

Maharashtra : ચક્રવાતી તોફાન ગુલાબે મહારાષ્ટ્રમાં વિનાશ વેર્યો છે. સરકારી અંદાજ મુજબ રાજ્યમાં 30 લાખ હેક્ટરથી વધુ ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. મળતી માહિતી અનુસાર રાજ્યના લગભગ 21 જિલ્લાઓ આ ચક્રવાતથી પ્રભાવિત થયા હતા.

30 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન

રાજ્ય કૃષિ પ્રધાન દાદાસાહેબ ભુસેએ (Dadasaheb Bhuse) જણાવ્યું હતું કે, પ્રાથમિક અંદાજ મુજબ 30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકનું નુકસાન થયુ છે. વધુમાં તેમણે કહ્યું કે, જમીનનું મૂલ્યાંકન કરવાથી ચોક્કસ આંકડા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, ચક્રવાત ગુલાબના કારણે રાજ્યના કુલ 36 જિલ્લાઓમાંથી 21 જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે.

મરાઠવાડાના તમામ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ

મળતી માહિતી અનુસાર, મરાઠવાડાના તમામ આઠ જિલ્લાઓ બીડ, લાતુર, ઓરંગાબાદ, હિંગોલી, ઉસ્માનાબાદ, નાંદેડ, પરભણી, જાલનામાં ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ ને (Cyclone Gulab) કારણે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પશ્ચિમ વિદર્ભ પૂર્વીય વિદર્ભ કરતાં ઘણું વધારે પ્રભાવિત થયું હતું. તેમજ આ ચક્રવાતને કારણે બુલધાણા, અકોલા, અમરાવતી, યવતમાલ અને વાશિમ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયુ છે.

નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો

ચક્રવાત બાદ કૃષિ મંત્રીએ જણાવ્યુ કે, પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે હાલ સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે સ્થળોએ મૂલ્યાંકન માટે જવાની જરૂર છે, તે કામ પણ 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, પૂરને કારણે વિસ્તારોમાં લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કૃષિ મંત્રીએ ખેડૂતોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી

કૃષિ મંત્રીએ ગુલાબ વાવાઝોડાથી થયેલા ખેડૂતોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે, ખેડૂતોને (Farmers) એક વર્ષથી ઓછા સમયમાં ત્રીજી વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે. અગાઉ, નિસર્ગ અને તાઉતે વાવાઝોડાને કારણે પણ ખેડુતોને ભારે નુકસાન થયુ હતું.

ખેડુતોને તાત્કાલિક સહાય મળવી જોઈએ : દેવેન્દ્ર ફડણવીસ

મરાઠવાડાની મુલાકાત સમયે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) જણાવ્યુ કે, આ એક ગંભીર સ્થિતિ છે. વધુમાં તેમણે કહ્યું કે, પંચનામાની રાહ જોયા વિના જે ખેડુતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેમણે બધું ગુમાવી દીધું છે. તેમને તાત્કાલિક સહાય મળવી જોઈએ.

 

આ પણ વાંચો : Maharashtra: ભૂતપૂર્વ ગૃહમંત્રી માટે મુશ્કેલીઓ વધી શકે છે ! CBI ને 50 પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ગેરરીતિઓ મળી

આ પણ વાંચો : સોશીયલ મીડીયા પર કોઈ પણ મહીલા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવા પર આ કલમ હેઠળ નોંધાય શકે છે કેસ, જાણો વિગતવાર