આખી જીંદગીમાં માણસ પોતાની તકલીફોનો બોજો ઉઠાવતો ફરે છે, પોતાના સંઘર્ષોમાંથી આગળ વધવાનો સતત પ્રયત્ન કરતો માણસ જ્યારે સમયની આંટી ઘૂટીમાં ગુંચવાઈ જતો હોય છે. ત્યારે તેના માટે જીંદગી જ એક બોજ બની જતી હોય છે અને ત્યારે માનવી એવુ વિચારવા લાગે છે કે જીંદગીના બોજ તો ઉપાડી લીધા પણ હવે આ બોજ બની ગયેલી જીંદગીનો ભાર કેવી રીતે ઉચકી શક્શે. આવી પરિસ્થિતીમાંથી પસાર થતો માણસ ક્યારેક ન કરવાનું વિચારતો હોય છે.
આવી જ એક ઘટના મુંબઈમાં બની છે. 60 વર્ષના વૃદ્ધાએ જીંદગીથી કંટાળીને એક મોટું પગલુ ભર્યું. મુંબઈને અડીને થાણે જિલ્લામાં વસઈ રોડ નામનું રેલવે સ્ટેશન છે. ત્યાં જઈને આ વૃદ્ધ મહિલા સામેથી આવતી મુંબઈ લોકલ ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા. મોટરમેને સમજદારી બતાવી અને ટ્રેનને રોકી. રેલવે પોલીસના એક કર્મચારીએ દોડીને મહિલાને પાટા પરથી હટાવ્યા હતા.
સંબંધિત મહિલા મુંબઈને અડીને આવેલા નાલાસોપારામાં રહે છે. પતિનું થોડા વર્ષો પહેલા મૃત્યુ થયુ હતું. પુત્ર તેમને છોડીને પૂણેમાં રહે છે. એટલે કે આ 60 વર્ષીય મહિલાએ પોતાના દીકરાને નાનાપણથી ઉછેર્યો, પોતાના પગ પર ઉભો કર્યો, પતિની સંભાળ લીધી, પરિવાર માટે પોતાનું જીવન વિતાવ્યું. પોતાની વિશે ક્યારેય વિચાર્યું નહી. હંમેશા પતિ વિશે વિચાર્યું, પુત્ર વિશે વિચાર્યું. પતિએ દુનિયા છોડી દીધી જ્યારે દીકરાએ ઘર છોડી દીધુ!
તેથી જીવનથી નિરાશ થઈને આ મહિલાએ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. તેમણે વસઈ રોડ રેલવે સ્ટેશન પર ડહાણુથી અંધેરી મુંબઈ લોકલ ટ્રેન સામે જંપલાવ્યું હતું. પરંતુ મોટરમેને તેમને જોઈને તરત જ ટ્રેન રોકી દીધી અને હોર્ન વગાડ્યો, આ જોઈને પ્લેટફોર્મ પર ફરજ બજાવતા GRP પોલીસ કર્મચારી એકનાથ નાઈક દોડી ગયા અને મહિલાને પકડીને પાટા પરથી દૂર કર્યા. રેલવે પોલીસે મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે. આ ઘટના શનિવારે સવારે 10.01 વાગ્યે બની હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
मोटरमनच्या प्रसंगावधानामुळे वसई रोड रेल्वे स्थानकात एका 60 वर्षीय महिलेला जीवदान मिळाले आहे. पतीनिधनाचे दुःख आणि परगावी राहणारा मुलगा या कारणांमुळे आलेल्या नैराश्यातून महिला आयुष्य संपवण्याच्या तयारीत होती. pic.twitter.com/JiWE9c65HL
— Anish Bendre (@BendreAnish) September 12, 2021
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં આત્મહત્યા જેવા પગલાં લેતા રોકવા માટે જાગૃતિ લાવવાનો છે. ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઈડ પ્રિવેન્શન (IASP) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા 2003માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આઈએએસપી (IASP) દર વર્ષે આ દિવસની ઉજવણી માટે 60થી વધુ દેશોમાં ઘણાં કાર્યક્રમોનું આયોજન કરે છે.
આ પણ વાંચો : Maharashtra Corona Updates: નાગપુરે વધારી દેશની ચિંતા, પૂણેથી ટ્રેનિંગ લઈને આવેલા 12 પોલીસકર્મી કોરોના પોઝિટીવ