મહારાષ્ટ્રમાં હવે તમે કોરોના પોઝિટીવ (Corona Positive) વ્યક્તિના સંપર્કમાં આવો છો અને જો તમને કોવિડના લક્ષણો દેખાતા નથી તો હવે તમારો કોવિડ ટેસ્ટ (Covid Test) કરવામાં આવશે નહીં. અત્યાર સુધી 3T (ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ)ના નિયમ હેઠળ જો કોઈનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો તેના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેની તપાસ કરવામાં આવતી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકાને પગલે હવે જે લોકોમાં લક્ષણો નથી, તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અસલમ શેખે પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી હતી.
સાથે જ મુંબઈના સંરક્ષક મંત્રી હોવાને કારણે તેમણે એમ પણ કહ્યું હતું કે ‘પરંતુ મુંબઈ મહાનગરપાલિકા આવા લોકો પર ચોક્કસ નજર રાખશે. આ ઉપરાંત અમારા અગાઉના પ્રોટોકોલ મુજબ જો કોઈ એસિમ્પટમેટિક દર્દી અમારી પાસે આવશે તો અમે તેને દાખલ કરીશું.
હવે જો તમારા મનમાં એવી કોઈ મૂંઝવણ હોય કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે RTPCR ટેસ્ટ કરાવવાની જે શરત હતી, તેમાંથી મુક્તિ મળી છે? તો જવાબ છે ના. આ નિયમ એવા લોકો માટે છે જેઓ કોઈ કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને જો તેમનામાં લક્ષણો ન દેખાય તો પણ તેમને કોરોના ટેસ્ટ કરાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હતી.
આ દિવસોમાં મુંબઈમાં કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટની માંગ અને વેચાણમાં ઝડપથી વધારો થયો છે. લોકો પોતાના ઘરોમાં સેલ્ફ ટેસ્ટ કીટ વડે કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. તેઓ લેબમાં પણ કોરોના ટેસ્ટ કરાવવા આવતા નથી. મુંબઈમાં કોરોના કેસમાં ઘટાડો થવાનું એક કારણ આ પણ કહેવામાં આવી રહ્યું છે. આ ટ્રેન્ડને કારણે શહેરમાં કોરોના સંક્રમિતોનો વાસ્તવિક આંકડો બહાર આવી રહ્યો નથી. કારણ કે ઘણા લોકો જેઓ સેલ્ફ-કોવિડ ટેસ્ટિંગ કીટ ધરાવે છે, તેઓ BMCને તેના વિશે જાણ કરતા નથી.
આમાંના ઘણા લોકો પોઝિટીવ પણ હોય છે. આવી સ્થિતિમાં મુંબઈના સંરક્ષક મંત્રી અસલમ શેખે કહ્યું ‘અમે હવે એક નિયમ બનાવ્યો છે કે જે પણ ડિસ્ટ્રીબ્યુટર સેલ્ફ-ટેસ્ટીંગ કીટ લઈને જાય છે. તેઓ તેમના સ્ટોકનો રેકોર્ડ રાખે. તેઓએ તે રેકોર્ડ સ્થાનિક BMC વોર્ડ સાથે પણ શેર કરવો જોઈએ, જેથી BMC તેના પર નજર રાખી શકે.
મંગળવારે આવેલા આંકડામાં મુંબઈના 30 કન્ટેઈનમેન્ટ ઝોન અચાનક 0 કેવી રીતે થઈ ગયા? જ્યારે પત્રકારોએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે મંત્રી અસલમ શેખે કહ્યું કે દરેક કન્ટેઈનમેન્ટ ઝોનનો સમય હોય છે. તે તેની સમાપ્તિ પછી ખોલવામાં આવે છે, જેના કારણે હવે કન્ટેઈનમેન્ટ ઝોન સમાપ્ત થઈ ગયા છે અને સંખ્યા શૂન્ય થઈ ગઈ છે.
મુંબઈમાં બે દિવસથી કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. આ પહેલા સતત ચાર દિવસ સુધી કોરોના કેસ 20 હજારને પાર કરી રહ્યા હતા અથવા તેની નજીક રહ્યા હતા. પરંતુ સોમવારે 13,648 અને મંગળવારે 11,647 કોરોના કેસ નોંધાયા હતા. આના પર એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેસમાં ઘટાડો થવાનું કારણ BMC દ્વારા પરીક્ષણ ઘટાડવાનું છે.
તેના જવાબમાં અસલમ શેખે કહ્યું કે ‘એવું નથી કે ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે, તેથી જ કેસ ઓછા થયા છે. દરરોજ 60થી 70 હજાર કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. BMC દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે લેવામાં આવેલા પગલાની અસર દેખાઈ રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત