મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh) ફરી એકવાર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે તેમના પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેનું સીધું દબાણ હતું. પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક વાહન રાખવાના અને તે વાહનના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં સચિન વાજે મુખ્ય આરોપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછમાં પરમબીર સિંહે આ ખુલાસો કર્યો છે. પરમબીર સિંહે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે સચિન વાજેને શિવસેનામાં સામેલ કર્યા બાદ તેમને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવાનું પણ દબાણ હતું.
બીજી બાજુ અનિલ દેશમુખે ED દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં પરમબીર સિંહના આરોપોને નકારી કાઢ્યા છે. દેશમુખે તેનાથી વિપરીત કહ્યું છે કે પરમબીર સિંહ એન્ટિલિયા બ્લાસ્ટ અને મનસુખ હિરેનની હત્યા કેસના માસ્ટરમાઈન્ડ હતા. તેમણે ED અધિકારીઓને એમ પણ કહ્યું કે પરમબીર સિંહ કોઈપણ સવાલોના સીધા જવાબ આપતા ન હતા. તે હંમેશા મૂંઝવણભર્યા જવાબો જ આપતા હતા. પરંતુ પોલીસ વિભાગના અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ રેકેટ અંગે પોતાના ઉપર લાગેલા આરોપોને દેશમુખે શિવસેનાના નેતા અને મંત્રી અનિલ પરબ તરફ પાસ કરી દીધા. તેમણે કહ્યું કે અધિકારીઓની બદલીનું લિસ્ટ તેમની પાસે અનિલ પરબ લાવતા હતા.
પરમબીર સિંહે EDને આપેલા પોતાના જવાબમાં કહ્યું છે કે CIU યુનિટમાં નિમણૂક આપ્યા બાદ સચિન વાજેને ઘણા મહત્વપૂર્ણ કેસ આપવામાં આવ્યા હતા. તે કેસ સીએમ ઉદ્ધવ ઠાકરે અને અનિલ દેશમુખના કહેવાથી સચિન વાજેને આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સચિન વાજેને ટીઆરપી કૌભાંડનો કેસ પણ આપવામાં આવ્યો હતો.
આ સાથે પરમબીર સિંહે એમ પણ કહ્યું કે સચિન વાજે તેના નિયમિત રિપોર્ટ્સ અનિલ દેશમુખને આપતા હતા. તેમને દરેક વસ્તુની સીધી માહિતી આપવામાં આવતી હતી. પરમબીર સિંહે એ પણ ખુલાસો કર્યો કે એકવાર સચિન વાજેએ તેમને કહ્યું હતું કે દેશમુખે તેમની પાસેથી પોલીસ સેવામાં ફરી લાવવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
એટલું જ નહીં, પરમબીર સિંહે ED અધિકારીઓની પૂછપરછમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમને વારંવાર સરકારી ગેસ્ટ હાઉસ ‘સહ્યાદ્રી’માં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અનિલ દેશમુખ અને અનિલ પરબ તરફથી પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની યાદી આપવામાં આવી હતી. પરમબીર સિંહે જણાવ્યું કે તેમણે 2020માં મુંબઈના ડીસીપીની બદલીનો આદેશ આપ્યો હતો. તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટેએ તે આદેશ પાછો ખેંચી લેવા જણાવ્યું હતું.
પરમબીર સિંહે દાવો કર્યો છે કે સીતારામ કુંટેએ તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને તેમને કહેવામાં આવ્યું કે આ સીધો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આદેશ છે. પરમબીરે પોતાના ખુલાસામાં કહ્યું કે આ પછી તેમણે આદેશ પાછો ખેંચી લીધો. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે હજુ પણ તે વોટ્સએપ મેસેજ છે.
પરમબીર સિંહે કહ્યું કે દેશમુખ ઘણી વખત નિયમોનું ઉલ્લંઘન કરીને કામ કરાવતા હતા. ક્યારેક તેઓ સીધી સૂચના આપતા તો ક્યારેક સીતારામ કુંટે દ્વારા સૂચના આપાવતા. DCP ઝોન 7માં પ્રશાંત કદમની નિમણૂક પણ અનિલ દેશમુખના કહેવા પર આવી જ રીતે કરવામાં આવી હતી. અનિલ દેશમુખના કારણે પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડના નિયમોનો અનેક વખત ભંગ થયો.
પરંતુ અનિલ દેશમુખે પોતાના પર લાગેલા પોલીસ અધિકારીઓ ટ્રાન્સફર પોસ્ટિંગ રેકેટ ચલાવવાના આરોપોના જવાબમાં શિવસેનાના નેતા અને પરીવહન મંત્રી અનિલ પરબ પર તમામ દોષનો ટોપલો ઢોળ્યો હતો. દેશમુખે ED દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે અનિલ પરબ પોલીસ અધિકારીઓની યાદી સાથે તેમની પાસે આવતા હતા. તે યાદીમાં શિવસેનાના ધારાસભ્યોના મનપસંદ અધિકારીઓના નામ હતા. તેઓ તેમની ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે અમને ભલામણ કરતા હતા. તે યાદીમાં કોઈની સહી નહોતી. દેશમુખે આ મામલે પોતાનો કોઈ સ્વાર્થ હોવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો : 10th-12th Exams: મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ થશે, કોઈ ફેરફાર નહીં થાય – સૂત્ર