
આરોગ્યને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીરના (નકલી અથવા બિન-ડેરી પનીર) ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર આ પગલું ભરનાર બીજું રાજ્ય બન્યું છે. ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંઢેએ 30 જુલાઈના રોજ એક આદેશ આપ્યો હતો.
આ આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારનું નકલી પનીર ઉત્પાદન, પ્રક્રિયા, પેકેજિંગ, સંગ્રહ, પરિવહન અથવા જથ્થાબંધ અથવા છૂટક વેચાણ હવે પ્રતિબંધિત છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ નકલી પનીરને વાસ્તવિક પનીર તરીકે વેચશે તો તેને જનતા સાથે છેતરપિંડી ગણવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 (Food Safety and Standards Act, 2006) હેઠળ આવી પ્રવૃત્તિ ખોટી વેપારી પ્રવૃત્તિ ગણાશે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાયદા હેઠળ આ ગુના માટે 6 મહિના સુધીની જેલ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ અસુરક્ષિત ખોરાકથી મૃત્યુ પામે છે, તો સજા આજીવન કેદ અને ઓછામાં ઓછા ₹10 લાખનો દંડ છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્યોએ નકલી પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ સરકારી નિર્ણયને જાહેર આરોગ્યના રક્ષણ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.
એનાલોગ પનીર આ અસલી પનીર નથી. તે કૃત્રિમ રીતે બનાવામાં આવેલું નકલી પનીર છે. એનાલોગ પનીર દૂધમાંથી નહીં પરંતુ પામ તેલ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, સ્ટાર્ચ અને કેટલાક રસાયણો જેવા સસ્તા ઘટકોમાંથી બનાવવામાં આવે છે. તે અસલી પનીર જેવું જ દેખાય છે. તેનો સ્વાદ પણ અસલી પનીરની જેમ જ હોય હોય છે. ઘણા હોટલ, ઢાબા અને કેટરર્સ નફો વધારવા માટે અસલી પનીરની જગ્યાએ આવા નકલી પનીરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારનું પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આ કારણે છત્તીસગઢ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે.
આ પહેલાં છત્તીસગઢ સરકારે પણ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. છત્તીસગઢ દેશમાં પહેલું રાજ્ય બન્યું હતું જ્યાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે એવા ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જે વાસ્તવિક દૂધના ઉત્પાદનો નથી. જો કે સરકારે કેટલાક ઉત્પાદનોને આ પ્રતિબંધમાંથી બહાર રાખ્યા છે. આદેશ મુજબ તમામ નોન-ડેરી ઉત્પાદનો આ પ્રતિબંધ હેઠળ આવતા નથી. ફ્રોઝન ડેઝર્ટ, પ્રોસેસ્ડ ચીઝ અને મિક્સ્ડ ફેટ સ્પ્રેડ જેવા ઉત્પાદનોને પ્રતિબંધમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. કારણ કે આ ઉત્પાદનો FSSAIના નિર્ધારિત ધોરણો અનુસાર અલગ શ્રેણીમાં આવે છે.