મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં આજે રાજકીય ગરિમા ખરડાઈ ગઈ હતી. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે વિધાનસભાની લોબીમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયુ વેગે વાયરલ થયો છે.
સૂત્રો અનુસાર, કાલે વિધાનસભા ભવન બહાર બંને ધારાસભ્યો અને તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર અપશબ્દોની બોલાચાલી થઈ હતી જે બાદ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.
જાણકારી અનુસાર બે દિવસ પહેલા જિતેન્દ્ર આવ્હાડ જ્યારે વિધાનસભાની બહાર ઉભા હતા, ત્યારે ગોપીચંદ પડલકરે પોતાની ગાડીનો દરવાજો એટલા જોરથી ખોલ્યો કે તે જિતેન્દ્ર આવ્હાડના પગમાં વાગ્યો હતો. તેનાથી નારાજ આવ્હાડના કાર્યકર્તા નીતિન દેશમુખે ગોપીચંદ પડલકરન ખરીખોટી સંભળાવી હતી. એ સમયે પડલકર અને નીતિન દેશમુખે એકબીજાને અપશબ્દો પણ બોલ્યા હતા.
તે ઘટના પછી, ગોપીચંદ પડલકરના કાર્યકર સતત આવ્હાડને ફોન અને મેસેજ કરીને ધમકી આપી રહ્યા હતા અને આજે તેનું પરિણામ એ આવ્યું કે પડલકરના કાર્યકર આવ્હાડના કાર્યકર નીતિન દેશમુખ સાથે અથડાયા અને વિધાનસભા પરિસરમાં જ છુટ્ટા હાથની મારામારી બંને વચ્ચે શરૂ થઈ ગઈ હતી. .
જ્યારે વિવાદ વધુ ગરમાયો તો NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે ગૃહમાં આ મામલો ઉઠાવ્યો અને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. તે જ સમયે, ધારાસભ્ય સના મલિક અને મંત્રી આશિષ શેલારે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.
આ બાબત અંગે, જીતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરી છે અને દાવો કર્યો છે કે તેમને અપમાનજનક અને ધમકીભર્યા સંદેશા મળી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટના પર એક નિવેદન બહાર પાડ્યું છે.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે વિધાનસભા પરિસરમાં આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે અને તે આપણી પ્રતિષ્ઠાને કલંકિત કરે છે. સ્પીકર અને વિધાનસભા પરિષદના અધ્યક્ષ બંનેએ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મામલાનો રિપોર્ટ મંગાવ્યો છે અને નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યુ છે.
Published On - 8:02 pm, Thu, 17 July 25