કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બે દિવસીય પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ શનિવારે સાંજે અમિત શાહે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde), ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન અમિત શાહે શિંદે અને અજિત પવાર સાથે 45 મિનિટ સુધી અલગથી વાતચીત કરી હતી.
અમિત શાહે આ 45 મિનિટમાં શિંદે અને પવાર સાથે આગામી લોકસભા ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. લોકસભા બેઠકોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે. અહીં ભાજપ લોકસભાની 48માંથી 45 બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે શિવસેનાના સમર્થનથી અહીં 41 બેઠકો જીતી હતી. વિપક્ષી જૂથની એકતાના કારણે, ભાજપને દેશભરમાં ઘણી બેઠકો પર નુકસાન થવાની સંભાવના છે. તેથી ભાજપ તેના કિલ્લાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
શિંદે અને પવાર સાથેની બેઠકમાં અમિત શાહે ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના તે વિસ્તારોની ચર્ચા કરી હતી, જેને NCP અને શરદ પવારનો ગઢ માનવામાં આવે છે. મીટીંગમાં પશ્ચિમ મહારાષ્ટ્રની બારામતી, શિરુર, રાયગઢ અને સતારા, આ 4 બેઠકો જીતવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. જેના પર ગત ચૂંટણીમાં એનસીપીએ જીત મેળવી હતી.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને તોડીને અજિત પવારને પોતાની સાથે સરકારમાં સામેલ કર્યા હતા. આ સાથે તેમને ડેપ્યુટી સીએમ અને મહત્વપૂર્ણ મંત્રાલય પણ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવું ત્યારે જ કરવામાં આવે છે જ્યારે સરકાર પડવાની હોય અથવા તો પોતાની સંખ્યાત્મક તાકાતને સુરક્ષિત કરવી હોય.
આ પણ વાંચો : Breaking News: ‘મુંબઈ લોકલ ટ્રેનમાં થશે સીરિયલ બ્લાસ્ટ’ – મુંબઈ પોલીસને આવ્યો ધમકી ભર્યો ફોન કોલ
NCP તોડતા પહેલા પણ ભાજપને શિંદે જૂથ અને અન્ય પક્ષોના 170 ધારાસભ્યોનું સમર્થન હતું. શિંદેના 16 ધારાસભ્યોની સદસ્યતા પર તલવાર લટકી રહી છે. જો તેમનું સભ્યપદ છીનવાઈ જશે તો પણ તેની ભાજપ સરકાર પર કોઈ અસર થશે નહીં. તેમ છતાં પણ ભાજપે એનસીપીની છાવણીને તોડી જેનો એકમાત્ર હેતુ 2024ની ચૂંટણી છે.
મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો