નાશિકના મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના (Kisan express) બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત મનમાડથી બે કિલોમીટરના અંતરે થયો હતો. આ ટ્રેન પૂણેથી દાનાપુર જઈ રહી હતી. મનમાડ નજીક આવતા તેના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. સ્પીડ વધુ ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને રેલવેનો ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પાટા પરથી ઉતરી ગયેલા કોચને અલગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતને કારણે પૂણે તરફ જતી રેલ વ્યવસ્થાને અસર થઈ છે.
છેલ્લા 15 દિવસમાં આ બીજી અને બે મહિનામાં ચોથી ટ્રેન દુર્ઘટના છે. બે દિવસ પહેલા શનિવારે રાત્રે હાટિયા-રાઉરકેલા રેલ્વે લાઈન પર એક ભયાનક દુર્ઘટનામાં બે માલગાડીઓ અથડાઈ હતી. આ દુર્ઘટના રાત્રે 10 વાગ્યે કુરકુરા રેલવે સ્ટેશન પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક માલગાડી રાઉરકેલાથી રાંચી જઈ રહી હતી અને બીજી માલગાડી રાંચીથી રાઉરકેલા જઈ રહી હતી. ત્યારે રાત્રે 10 વાગ્યે કુરકુરા રેલવે સ્ટેશન પાસે આ બંને માલગાડીઓ સામસામે અથડાઈ હતી. બંને ગાડીઓ એક જ લાઈન પર હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભયાનક અકસ્માતમાં એક પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના ઉધમપુર-દુર્ગ એક્સપ્રેસમાં આગ લાગી હતી. A-1 અને A-2 AC કોચમાં આગ લાગી હતી. હેતમપુર રેલવે સ્ટેશનથી નીકળતા જ આ બંને કોચમાં અચાનક આગ લાગી હતી. તરત જ આ કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. ટ્રેનના આગળના ભાગોને બાકીના ભાગોથી અલગ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ ગયા વર્ષે ટ્રેન અકસ્માતોમાં દરરોજ 32 લોકોના મોત થયા હતા. એનસીઆરબીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રેન અકસ્માતો થયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ બીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં જ્યાં રેલ અકસ્માતમાં 1,922 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 1,558 લોકોના મોત થયા છે.