
કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જો કે કેતન મર્ડર કેસમાં હાલમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. પુણે પોલીસ હાલમાં સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીનું ઇન્ટ્રોગેશન કરી રહી છે. ત્યારે પુછપરછમાં સિયાને કેતન ન ગમવાના એક કારણમાં કેતનને ઓછા વાળ હોવાનું અને તે વિગ પેચ પહેરતો હોવાની માહિતી આપી હોવાનું સામે આવ્યુ છે.
પુણેના યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાના કેસમાં હવે તેના વાળના વિગ પેચનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોકે, કેતનના પિતા વિશાલ અગ્રવાલે સ્પષ્ટ કહ્યું છે કે તેમનો પુત્ર માત્ર નાનો વિગ પેચ પહેરતો હતો અને આ વાત સગાઈ પહેલાં જ સિયા ગોયલ તેમજ તેના પરિવારને જણાવવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે જો સિયાને આ બાબતે કોઈ વાંધો હતો તો તે લગ્ન માટે ના પાડી શકતી હતી, પરંતુ હત્યા કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
પોલીસના જણાવ્યા મુજબ, વિગ પેચનો મુદ્દો તપાસનો એક ભાગ છે, પરંતુ માત્ર આ એક કારણને આધારે હત્યાનો હેતુ નક્કી કરી શકાય તેમ નથી. તપાસમાં હજુ અનેક પાસાઓની ચકાસણી ચાલી રહી છે અને સમગ્ર ઘટનાને પૂર્વયોજિત હત્યા તરીકે જોવામાં આવી રહી છે.
હત્યા પાછળના કારણોને લઈને બંને પરિવારોના દાવા અલગ-અલગ છે. કેતનના પિતાએ જણાવ્યું કે ટ્રેકિંગ પર જવાનો આગ્રહ સિયાનો હતો, જ્યારે સિયાના પરિવારે દાવો કર્યો છે કે કેતન જ લોહગઢ કિલ્લા પર જવા માટે સતત આગ્રહ કરી રહ્યો હતો. સિયાએ પોતાની માતાને પણ ટ્રેકિંગ પર જવાની અનિચ્છા વ્યક્ત કરી હોવાનું પરિવારનું કહેવું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 18 જૂને કેતન અગ્રવાલને પુણે નજીકના ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગના બહાને બોલાવવામાં આવ્યો હતો. આરોપ છે કે તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે કેતનને આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જીવલેણ હુમલા પહેલાં તેને નુકસાન પહોંચાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સિયાના માતા-પિતાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે સિયા લગ્નને લઈને ખુશ હતી અને તેણે અનેક વખત પરિવારને કેતન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, સિયા કોઈ અન્ય સંબંધમાં હોવાનું કે લગ્ન કરવા માંગતી ન હોવાનું કોઈ સંકેત ક્યારેય મળ્યો નહોતો.
તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ, સિયા અને ચેતને પૂછપરછમાં સ્વીકાર્યું છે કે લોહગઢ કિલ્લા પર પહોંચ્યા બાદ ચેતને સિયાને કેતનની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. પોલીસનો દાવો છે કે પૂર્વનક્કી સંકેત મળ્યા બાદ ચેતને કેતનને ખીણમાં ધકેલી દીધો હતો અને ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિયાનો પરિવાર આ સમગ્ર પોલીસ વર્ઝનને ખોટું ગણાવી રહ્યો છે.
આ કેસ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેતનના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે કેસની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરાવવા અને જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવાની પરિવારની માંગ સ્વીકારવાની ખાતરી આપી છે. હવે સમગ્ર રાજ્યની નજર આ હાઇ-પ્રોફાઇલ હત્યા કેસની તપાસ અને આગામી કાનૂની કાર્યવાહી પર ટકેલી છે.
આ પણ વાંચો- EPFO Alert: તમે ક્યારે તમારો સંપૂર્ણ PF ઉપાડી શકો છો અને ક્યારે ફક્ત 75% ઉપાડી શકો છો? સંપૂર્ણ નિયમો જાણો