મુંબઈના ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર ફરવા જાઓ, તો ખાવા-પીવાની બિલકુલ ચિંતા કરવાની વધારે જરુર નથી. આ બન્ને ચોપાટીઓ પર આવેલા તમામ ફુડ સ્ટોલ્સને ભારત સરકાર તરફથી સ્વચ્છતાનું સર્ટિફિકેટ મળી ગયું છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી અને જુહૂ ચોપાટી પર આવેલી ખાણી-પીણીની દુકાનોને ભારત સરકારના અન્ન અને સુરક્ષા વિભાગે ક્લીન સ્ટ્રીટ ફુડ હબનો દરજ્જો આપી દીધો છે.
ગુજરાત બાદ મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે, જેને આ દરજ્જો મળ્યો છે. મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ આ હબનું વિધિવત ઉદ્ધાટન કરવાના છે. આ દરજ્જો મેળવવા માટે ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર આવેલી ખાણી-પીણીની દુકાનોને સ્ટોલ્સ આપી અનેક સુવિધાઓ કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને સ્વચ્છતા પર ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થો બનાવવાની રીત, ખાદ્ય પદાર્થો બનાવતી વખતે સ્વચ્છ પાણીનો ઉપયોગ, કચરાના નિકાલ માટે કરવામાં આવેલી વ્યવસ્થા સાથે જ તેલ તેમ જ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ કરવામાં આવી છે.
Published On - 1:52 pm, Mon, 4 March 19