જેટ એરવેઝના ફાઉન્ડરે કોર્ટમાં વ્યક્ત કરી આવી ઈચ્છા, સાંભળીને બધા રહી ગયા દંગ

EDએ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે કથિત બેંક ફ્રોડના કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી હતી. હાલમાં નરેશ ગોયલ મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. નરેશ ગોયલે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. શનિવારે નરેશ ગોયલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જેટ એરવેઝના ફાઉન્ડરે કોર્ટમાં વ્યક્ત કરી આવી ઈચ્છા, સાંભળીને બધા રહી ગયા દંગ
jet airways and naresh goyal
| Edited By: | Updated on: Jan 07, 2024 | 12:44 PM

કેનેરા બેંકમાં રૂ. 538 કરોડની કથિત કૌંભાડના આરોપી અને જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે એવી ઈચ્છા વ્યક્ત કરી, જેને સાંભળીને બધા દંગ રહી ગયા. નરેશ ગોયલે, ગઈકાલ શનિવારે સ્પેશિયલ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે, તેણે જીવવાની આશા ગુમાવી દીધી છે અને આ સ્થિતિમાં જીવતા કરતાં જેલમાં મરવું વધુ સારું રહેશે. કોર્ટના રેકોર્ડ મુજબ, આંસુ ભરેલી આંખે 70 વર્ષીય ગોયલે કહ્યું કે, તે તેની પત્ની અનીતાને યાદ કરે છે, જે કેન્સરના અંતિમ તબક્કામાં છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે કથિત બેંક ફ્રોડના કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી હતી. હાલમાં નરેશ ગોયલ મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. નરેશ ગોયલે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. શનિવારે નરેશ ગોયલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને કાર્યવાહી દરમિયાન તેણે વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરી હતી. જેને ન્યાયાધીશે સ્વીકારી હતી. કોર્ટની ડાયરી અનુસાર, ગોયલે હાથ જોડીને ધ્રૂજતા કહ્યું કે તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ છે.

ગોયલે સમસ્યા જણાવી

ગોયલે કહ્યું કે, તેમની પત્ની પલંગ પર પડી છે અને તેમની એકમાત્ર પુત્રીની તબિયત પણ ખરાબ છે. તેમણે કહ્યું કે જેલ કર્મચારીઓની પણ તેમને મદદ કરવામાં એક મર્યાદા છે. ન્યાયાધીશે કહ્યું કે જ્યારે તેઓ તેમના મંતવ્યો રજૂ કરતા હતા ત્યારે મેં તેમની વાત ધ્યાનથી સાંભળી હતી અને તેમને ધ્યાનથી જોયા હતા. મેં જોયું કે તેનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમને ઊભા રહેવા માટે ટેકાની જરૂર છે. ગોયલે તેમના સ્વાસ્થ્યની સ્થિતિ, પત્નીની બીમારી, વિવિધ સમસ્યાઓ જેવી કે જેજે હોસ્પિટલની મુલાકાત વગેરે વિશે વિગતવાર માહિતી આપી હતી.

કોર્ટે શું કહ્યું

ન્યાયાધીશે કહ્યું કે તેણે જે કહ્યું તે બધું મેં ધ્યાનમાં લીધું છે. મેં આરોપીને આશ્વાસન આપ્યું કે તેમને નિરાધાર નહીં છોડવામાં આવે અને તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દરેક શક્ય કાળજી લેવામાં આવશે અને સારવાર પૂરી પાડવામાં આવશે. કોર્ટે તેમના વકીલોને તેમના સ્વાસ્થ્ય અંગે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા મહિને તેની જામીન અરજીમાં, ગોયલે હૃદય, પ્રોસ્ટેટ, હાડકા વગેરે જેવી વિવિધ બિમારીઓનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ દોષિત નથી, આવુ માનવા માટે તર્કસંગત આધાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ તેમની અરજી પર જવાબ દાખલ કર્યો છે. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 16 જાન્યુઆરીએ થશે.

Published On - 12:38 pm, Sun, 7 January 24