Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) આજે અમરાવતીની મુલાકાતે છે. તેમણે હિંસાથી (Violence) પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા બાદ જણાવ્યુ કે ‘અમરાવતીમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ 13મી નવેમ્બરે જે બન્યું તે એક્શનની પ્રતિક્રિયા હતી. તેને એક અલગ ઘટના તરીકે બતાવવામાં આવી રહી છે, જે ખોટું છે.
અમરાવતીમાં 12મી નવેમ્બરના રોજ એક મોરચો કાઢવામાં આવ્યો હતો. જે ઘટના ત્રિપુરામાં (Tripura) બની ન હતી, તેના મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા. જેમાં મસ્જિદને સળગતી બતાવવામાં આવી હતી, પરંતુ તે મસ્જિદ નહોતી પણ CPI(M)ની ઓફિસ હતી. સમાજને ઉશ્કેરીને 12મી નવેમ્બરે રમખાણો કરવામાં આવ્યા હતા. તે આયોજનબદ્ધ રમખાણ હતું. જ્યાં સુધી મોરચાના ષડયંત્રની તપાસ ન થાય ત્યાં સુધી 13મી નવેમ્બરની હિંસાની તપાસ અધૂરી છે.
વધુમાં પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘રાજ્ય સરકાર (Uddhav Government) મતની રાજનીતિ કરીને એકપક્ષીય પગલાં લઈ રહી છે. ચોક્કસ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. 12 નવેમ્બરની હિંસામાં ચોક્કસ સમાજના લોકોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં 13મી નવેમ્બરે પણ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. આ હિંસા માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે 13મી નવેમ્બરના રોજ હિંસામાં સામેલ ન હોય તેવા લોકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંમેલનમાં ગયેલા લોકોની યાદી મંગાવીને કેસ નોંધવામાં આવી રહ્યો છે. હિંદુત્વવાદી સંગઠન સાથે જોડાયેલા લોકો પર માત્ર એટલા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે તેઓ એક વિચારધારા સાથે જોડાયેલા છે.
રાજ્ય સરકાર પર પક્ષપાતી કાર્યવાહીનો આરોપ લગાવતા દેવેન્દ્ર ફડણવીસે સરકારને જેલ ભરો આંદોલનની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું જે લોકો દોષિત છે તેમને સજા મળવી જોઈએ. આ માટે અમે પોલીસને મદદ કરવા તૈયાર છીએ. પરંતુ પોલીસ રાજકીય દબાણ હેઠળ એકતરફી કાર્યવાહી કરી રહી છે. જો રાજ્ય સરકાર પણ એવું ઈચ્છે તો અમે પણ તેના માટે તૈયાર છીએ. તેની સામે ભાજપ હવે જેલ ભરો આંદોલન કરશે.
આ પણ વાંચો: Corona Update : મુંબઈમાં કોરોનાનો ફફડાટ ! શહેરમાં કોરોનાના કેસ વધતા BMCએ 13 બિલ્ડીંગને કરી સીલ