Maharashtra : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ક્રુઝ ડ્ર્ગ્સ કેસમાં કાર્યવાહી તેજ કરી છે. ડ્રગ્સ કેસમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ગુરુવારે મુંબઈ સેશન્સ કોર્ટમાં આર્યનની (Aryan Khan) જામીન અરજી અંગે સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે 20 ઓક્ટોબર સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ NCB પર આકરા પ્રહાર કર્યા
આર્યનની જામીન અરજી અંગેની સુનાવણી 20 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેનું (CM Uddhav Thackeray) નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ NCB પર નિશાન સાધતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં મારા મહારાષ્ટ્રમાં ગાંજા-ચરસનો ધોમ વેપાર ચાલી રહ્યો છે, તે દરેક જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે.
તમે જાણી જોઈને આવું કેમ કરી રહ્યા છો ?
સીએમ ઉદ્ધવ ઠાકરેએ ડ્રગ્સના કેસ અંગે કહ્યું કે, હું ફરીથી કહું છું કે, આપણી સંસ્કૃતિ આંગણામાં તુલસી રોપવાની છે. પરંતુ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે તુલસીની જગ્યાએ શણ રોપવામાં આવી રહ્યું છે. તમે જાણી જોઈને આવું કેમ કરી રહ્યા છો ? વધુમાં ઠાકરેએ NCB પર પ્રહાર કરતા કહ્યુ કે, તમે કોઈ સેલિબ્રિટીને (Celebrity) પકડો , ફોટો લો અને ઢોલ વગાડો…… અમારી પોલીસે 150 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે.
આર્યન ખાનનો કેદી નંબર 956
ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય આર્યન ખાનને 3 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (Narcotics Control Bureau) 7 અન્ય લોકો સાથે ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાંથી આર્યન ખાનની પણ ધરપકડ કરી હતી. NCB એ કહ્યું હતું કે, આર્યન ખાન ડ્રગ્સ લે છે. જોકે, આર્યન સાથે ડ્રગ્સ મળી આવ્યુ નથી. આ કેસમાં NCP એ પણ એનસીબી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. આર્યન ખાનને ગુરુવારે આર્થર રોડ જેલમાં કેદી નંબર આપવામાં આવ્યો હતો. જેલમાં આર્યન ખાનનો કેદી નંબર 956 છે.
આ પણ વાંચો : Cruise Drug Case : ડ્રગ્સ કેસને લઈને NCB એક્શનમાં, મુંબઈમાં એક સાથે ત્રણ સ્થળોએ દરોડા પાડી શરૂ કરી તપાસ
આ પણ વાંચો : રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’
Published On - 4:16 pm, Sat, 16 October 21