
મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકથી પડી રહેલા ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હોવાથી નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે પૂરની ચેતવણી આપી છે અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા માટે પણ અપીલ કરી છે.
સતત વરસાદને કારણે મુંબઈના ઘણા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને કેટલીક જગ્યાએ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. અંધેરી, મલાડ, જોગેશ્વરી, કુર્લા, મુલુંડ અને કાંજુરમાર્ગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો છે અને વાહનોની ગતિ ઘણી ધીમી પડી ગઈ છે. આ કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈ અને પશ્ચિમ ઉપનગરોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે, સાંતાક્રુઝ, બાંદ્રા સહિત પશ્ચિમ ઉપનગરોના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં મધ્યરાત્રિએ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સવારે ફરી વરસાદે જોર પકડ્યું છે. પશ્ચિમ ઉપનગરોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. હાલમાં, અંધેરી સબવે ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ જવાને કારણે પાણીમાં ડૂબી ગયુ છે. અંધેરી સબવે હાલમાં ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. ઠાણેમાં મધ્યરાત્રિથી પડી રહેલા ભારે વરસાદ હવે ઓછો થઈ ગયો છે. અત્યાર સુધીમાં 137.12 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
મુંબઈમાં ત્રણેય લોકલ લાઈનો પર વરસાદની અસર જોવા મળી રહી છે. મધ્ય રેલવે પર ટ્રેન આશરે 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. હાર્બર લાઈન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. પશ્ચિમ રેલવે સેવાઓ હાલમાં 5થી 10 મિનિટ મોડી ચાલી રહી હોવાના અહેવાલ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે ચેતવણી પણ આપી છે કે 2 અને 3 જુલાઈના રોજ મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
જોકે આ વર્ષે મુંબઈમાં ચોમાસુ સામાન્ય કરતાં આશરે 13 દિવસ મોડું આવ્યું છે. પરંતુ હવે તે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. વરસાદને કારણે શહેરના જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જે પાણી પુરવઠાની દ્રષ્ટિએ રાહતની વાત છે. જોકે બીજી તરફ ભારે વરસાદની દૈનિક જનજીવન પર મોટી અસર પડી રહી છે. નાગરિકોને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.