Bandra Terminus Station : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં નવ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તહેવારોના સમયમાં ભારતીય રેલવેમાં ભીડ રહેવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં ઘણીવાર અકસ્માત થવાની સંભાવના રહે છે. મુંબઈમાં કામ કરતા લોકો દિવાળીના અવસર પર મોટી સંખ્યામાં તેમના ઘરે આવે છે. આમાંના મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેના કારણે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા માટે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર થયો હતો. ટ્રેન નંબર 22921, બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 5.10 વાગ્યે હતો, પરંતુ ટ્રેન 2.55 વાગ્યે પ્લેટફોર્મ પર પહોંચી હતી. આવી સ્થિતિમાં મુસાફરોએ ઝડપથી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ શરૂ કર્યો અને તેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.
Published On - 9:44 am, Sun, 27 October 24