શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહને ‘મોગેમ્બો’ કહ્યાના એક દિવસ પછી, ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ઉદ્ધવ મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થઈ રહ્યા છે. ચૂંટણી પંચે 17 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને ‘ધનુષ અને બાણ’ પ્રતીક આપ્યું હતું.
કમિશનના નિર્ણય બાદ શાહે દાવો કર્યો હતો કે ઠાકરેને હવે ખબર પડશે કે સત્ય કઈ બાજુ છે. ચૂંટણી પંચના નિર્ણયને આવકારતા શાહ પર વળતો પ્રહાર કરતા, ઠાકરેએ રવિવારે કટાક્ષમાં કહ્યું હતુ કે, મોગેમ્બો ખુશ હુઆ.
આ પણ વાચો: નામ અને નિશાન ગયા પછી ઉદ્ધવ ઠાકરે અકળાયા, શિવસેનાનુ ટ્વિટર અને વેબસાઇટ કરી નાખી ડિલીટ
મુંબઈના બીજેપી ધારાસભ્ય અતુલ ભાટખાલકરે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે બીજેપી નેતૃત્વને મોગેમ્બો કહી રહ્યા છે. તેઓ (ઉદ્ધવ) એ સમજવામાં નિષ્ફળ ગયા છે કે આવી હાસ્યાસ્પદ ટિપ્પણીથી તેઓ પોતે મિસ્ટર ઈન્ડિયા બની રહ્યા છે. તમે મહારાષ્ટ્રના રાજકારણમાંથી લગભગ ગાયબ થઈ ગયા છો. તમારે ઘરે જ રહેવું જોઈએ. વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરને જ્યારે અકોલામાં મીડિયા દ્વારા આવી ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજકારણમાં આવી ટિપ્પણીઓને ખુશીથી સ્વીકારવી જોઈએ.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહારો કરી રહ્યા છે. આજે તેમણે પત્રકાર પરિષદમાં ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો પાર્ટીનું સિમ્બોલ ચોરાઈ ગયું છે, પરંતુ ઠાકરે નામ ચોરી શકાતું નથી. બાળાસાહેબના પુત્ર બનવાનું સૌભાગ્ય કોઈને નથી મળી શકતું. એવી માહિતી પણ મળી રહી છે કે એકનાથ શિંદે જૂથ શિવસેના બિલ્ડિંગ પર દાવો નહીં કરે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને, ચૂંટણી પંચ દ્વારા શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે. શિવસેનાનું નામ અને ચૂંટણી પ્રતિક એકનાથ શિંદેને ફાળવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ આક્રમક બન્યું છે. તેઓએ ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે. ઉદ્ધવ ઠાકરે કેમ્પે, શિવસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અને તેની વેબસાઇટ બંનેને ડિલીટ કરી દીધા છે. ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ બંને શિવસેનાના નામે હતા. જેનું સંચાલન ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.