પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની 60 મી જન્મજયંતિના મંગલ અવસરે ઐતિહાસિક 60 વિશ્વવ્યાપી અભિયાનોની જાહેરાત

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની 60મી જન્મજયંતિ નિમિત્તે ‘Aho Gurudev’ મહોત્સવ યોજાયો હતો. નારાયણ મૂર્તિ, એન. ચંદ્રશેખરન, મોરારી બાપુ અને રણબીર કપૂર સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ વચ્ચે કેન્સર હોસ્પિટલ, એનિમલ કેમ્પસ અને 60 ભાષાઓમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર સહિત 30 આધ્યાત્મિક અને 30 સેવાકીય મળી કુલ 60 વૈશ્વિક પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી.

પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની 60 મી જન્મજયંતિના મંગલ અવસરે ઐતિહાસિક 60 વિશ્વવ્યાપી અભિયાનોની જાહેરાત
Image Credit source: Tv9Gujarati
| Updated on: Sep 27, 2026 | 8:08 PM

જેઓનું અસ્તિત્વ આત્મસાક્ષાત્કારના દિવ્ય તેજથી ઝળહળે છે એવા પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના પ્રાગટ્યને આ અવનિ પર છ દાયકા આજે પૂર્ણતાને પામ્યા. આ અવસરે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટરમાં 25–26 સપ્ટેમ્બરે ‘Aho Gurudev – 60 Years of an Enlightened Existence’ નામે અદ્વિતીય ઉજવણીઓમાં 24 થી વધુ દેશોના 214 શહેરોમાંથી હજારો ગુરુપ્રેમીઓ અને મહાનુભાવો હર્ષભેર જોડાયા હતા.

બાળપણથી જ ગહન ધ્યાનની ઉચ્ચ અવસ્થાઓમાં મહાલતાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની આત્મજ્ઞાનની જ્યોત આ છ દાયકાઓમાં વિશ્વના છ ખંડોમાં પ્રસરી રહેલી આધ્યાત્મિક ઉપસ્થિતિમાં પરિવર્તિત થઈ છે. તેમના સત્સંગથી પ્રેરણા પામી વિશ્વભરના અગણિત હૃદયો આત્મજાગૃતિ તરફ વળી રહ્યા છે અને સેવાકાર્યોમાં જોડાઈ રહ્યા છે. જેમના વિચારોનો પિંડ તેમના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રેરણાથી ઘડાયો છે તેવા મહાપુરુષ પૂજ્ય ગુરૂદેવશ્રીની ચેતના આજે લાખો જીવનને અનેક રીતે સ્પર્શી રહી છે….. જેમ કે કોઈ યુવાને જીવનનો હેતુ મળે છે; કોઈ કોર્પોરેટ લીડર સમય કાઢીને તેમના પ્રવચનમાં આવી શાંતિ પામે છે; આફ્રિકાના કોઈ ગામમાં બાળકો ભોજન પામે છે; કોઈ ઊંટ નવજીવન પામે છે અને વિશ્વના કોઈ ખૂણે કોઈ સાધક સ્પેનિશ કે મેન્ડરિનમાં તેમના શબ્દોના સ્પર્શથી નવી શાંતિ અનુભવે છે. આવા તો અનેક અનુભવો એક જ સત્ય તરફ સંકેત કરે છે – 60 વર્ષ પહેલા પ્રગટેલું આ દિવ્ય અસ્તિત્વ આજે વય, ભૂગોળ અને ભાષાની તમામ સરહદોને પાર કરી અસંખ્ય જીવોને અનેક રીતે દિવ્ય હૂંફ આપી રહ્યું છે.

છ દાયકાની પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની અખંડ યાત્રા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરથી લઈને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, યુએસએ, વિશ્વભરમાં ફેલાયેલ સેંકડો કેન્દ્રો દ્વારા કાર્યાન્વિત થઇ છે. આત્મકલ્યાણને તેમણે આધુનિક યુગની જીવંત સેવાયાત્રામાં પરિવર્તિત કર્યો છે, જેનું પ્રમાણ છે, વિશ્વભરમાં લાખો સાધકો દ્વારા થતી વ્યાપક સેવા.

25 સપ્ટેમ્બરે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના જીવનના બે અવિભાજ્ય આયામોને પ્રતિબિંબિત કરતાં 30 આધ્યાત્મિક અને 30 સેવાલક્ષી એમ 60 નૂતન કલ્યાણકારી પ્રકલ્પોના પ્રારંભની જાહેરાત કરવામાં આવી. સેવાકીય પહેલોમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ કેન્સર હોસ્પિટલ,

સુરેન્‍દ્રનગર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ, શ્રીમદ્ રાજચંદ્ર મેન્ટલ હેલ્થ ઇનિશિયેટિવ, તેમજ 60 નવા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સેન્ટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમગ્ર ભારતમાં 6 કરોડ લોકો સુધી પહોંચવાના લક્ષ્ય સાથે
મલ્ટિ-સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ્સ તથા એનિમિયા અને વિઝન કેર કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે. ધરમપુરમાં પ્રાણી સેવાના મેગા કેમ્પસ અંતર્ગત શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ, એનિમલ શેલ્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેટરિનરી સાયન્સ અને અહિંસા અવેરનેસ સેન્ટર એમ ચાર સંસ્થાઓનું નિર્માણ થશે; જ્યારે મલાડમાં પણ એનિમલ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. શિક્ષણ અને યુવા સશક્તિકરણ ક્ષેત્રે શ્રીમદ્ રાજચંદ્ર દિશા—મફત AI આધારિત કારકિર્દી માર્ગદર્શન પ્લેટફોર્મ, મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્કૂલ ફોર સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન, તેમજ ગ્રામીણ ભારત માટે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે. આ સાથે શ્રીમદ્ રાજચંદ્ર વનીકરણ પહેલ તથા મહિલા સશક્તિકરણ, સમાજ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટેની અનેક મહત્વપૂર્ણ અભિયાનો પણ હાથ ધરવામાં આવ્યા છે.

સાથે જ 30 આધ્યાત્મિક પ્રકલ્પો જેવા કે મુંબઈમાં આધ્યાત્મિક કેન્દ્રો, તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર વેલનેસ સેન્ટર, એકાંત કુટિરો (Solitude Groves) અને શ્રીમદ્ રાજચંદ્ર મ્યુઝિયમ જેવી નવી સુવિધાઓનું અનાવરણ કરવામાં આવ્યું. દક્ષિણ અમેરિકામાં છ નવા સત્સંગ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. સાથે જ, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો, પુસ્તકો અને ધ્યાનસાધનાને વિશ્વની આઠ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પહોંચાડવામાં આવશે. 60 પુસ્તકો—10 ભાષાઓમાં છ-છ શીર્ષકો, તેમજ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીના મહાગ્રંથ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ પરની ટીકા 60 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ 60 ભાષાઓમાં અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના જીવન પર આધારિત ‘BEYOND’—એક દૃશ્ય જીવનચરિત્ર અનાવરણ કરવામાં આવ્યું.

26 સપ્ટેમ્બરની સવાર ‘વૈરાગ્ય’ના પાવન ભાવથી ઓતપ્રોત રહી, જેમાં 11 ઉચ્ચ શિક્ષિત તથા કારકિર્દી ધરાવતાં યુવાઓએ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના ચરણોમાં આત્માર્પિત દીક્ષા ગ્રહણ કરી.

26 સપ્ટેમ્બરની સંધ્યાએ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘Aho Gurudev’ માં મિશનના 600થી વધુ સમર્પિત યુવા ભક્તોએ સંગીત, નૃત્ય, અભિનય અને ભાવસભર દૃશ્યાવલિ દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને તેમના અદ્ભૂત જીવન અને કાર્યની ગાથાને દ્વારા મંચ પર જીવંત કરી. આ સમગ્ર ઉજવણી દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના ત્રણ પ્રેરણાદાયી પ્રવચનોએ હજારો શ્રોતાઓને આંતરિક ઉન્નતિની દિશા આપી.

આ દિવ્ય સભાને પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય આનંદમૂર્તિ ગુરુમા, સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, સ્વામી સ્વરૂપાનંદજી, બી.કે. સિસ્ટર શિવાની, સાધ્વી ભગવતી સરસ્વતીજી અને પૂજ્ય ભિખુ સંઘસેનાજી સહિત અનેક સંતોની ઉપસ્થિતએ વિશિષ્ટ બનાવી.

આ પ્રસંગે અન્ય વિશિષ્ટ મહાનુભાવોમાં મંગલ પ્રભાત લોઢા, કેબિનેટ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર; પદ્મવિભૂષણ એન. આર. નારાયણ મૂર્તિ, સ્થાપક અને ચેરમેન એમેરિટસ, ઇન્ફોસિસ; પદ્મભૂષણ એન. ચંદ્રશેખરન, ચેરમેન, ટાટા સન્સ; લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. કુશવાહ, PVSM, AVSM, SM, GOC, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા વિસ્તાર; પદ્મશ્રી હેમા માલિની, સાંસદ (લોકસભા, મથુરા); પદ્મભૂષણ દીપક પારેખ, ભૂતપૂર્વ ચેરમેન, HDFC; પદ્મશ્રી દિલીપ સાંઘવી, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ; પદ્મશ્રી સંજીવ કપૂર, ક્યુલિનરી આઇકન અને સહ-સ્થાપક, વન્ડરશેફ; મનોજ મોદી, ડિરેક્ટર, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો; વિનોદ અદાણી, પ્રમોટર, અદાણી ગ્રૂપ; અશોક હિન્દુજા, ચેરમેન, હિન્દુજા ગ્રૂપ; રણબીર કપૂર, અભિનેતા અને નિર્માતા; સુધીર મહેતા, ચેરમેન એમેરિટસ, ટોરેન્ટ ગ્રૂપ; સોનમ કપૂર આહુજા, અભિનેત્રી અને ફેશન ઉદ્યોગસાહસિક; નિલેશ શાહ, મેનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્રા AMC; મોતીલાલ ઓસવાલ, સહ-સ્થાપક, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ; તથા મધુકર પારેખ, ચેરમેન, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

મુંબઈથી શરૂ થયેલી આ ઉજવણી હવે સમગ્ર ભારતમાં અને ત્યારબાદ વિદેશોમાં પણ આગળ વધશે—દુબઈ અને લંડનથી લઈને ટોરોન્ટો તથા અમેરિકાના વિવિધ શહેરો સુધી. આમ આ અવસર માત્ર એક જન્મજયંતીની ઉજવણી નહીં, પરંતુ છ દાયકાઓથી અનેકાનેક જીવનને ઉન્નત બનાવતાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના આધ્યાત્મિક પ્રકાશ અને માનવસેવાના પ્રવાહ પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવતી વૈશ્વિક અંજલિ બની.

રોટલી કે ભાત… ફેટી લિવરના દર્દીઓ માટે શું છે વધુ ગુણકારી ? જાણો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો સાચો અભિપ્રાય

Follow Us
Loading...
Unable to load recommendations.