Maharashtra : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બર્ડ ફ્લૂનો (Bird Flu) મામલો સામે આવ્યાના થોડા દિવસો બાદ હવે પાલઘર જિલ્લાના વસઈ વિરાર વિસ્તારમાં આવેલા પોલ્ટ્રી સેન્ટરના મરઘાઓમાં બર્ડ ફ્લૂના સંક્રમણની પુષ્ટિ થઈ છે. પાલઘર વેટરનરી ઓફિસર ડૉ.પ્રશાંત કાંબલેએ જણાવ્યુ કે, પોલ્ટ્રી સેન્ટરની કેટલીક મરઘીઓ (Hens) મૃત મળી આવી હતી. આ પછી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે તપાસનો રિપોર્ટ શુક્રવારે રાત્રે આવ્યો હતો. જેમાં મરઘીઓ H5N1 વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે કાંબલેએ દાવો કર્યો છે કે આ સ્થિતિ ગંભીર નથી.હાલ તેમણે એ સ્પષ્ટ કર્યું નથી પોલ્ટ્રી ફાર્મની કેટલી મરઘીઓ મૃત્યુ પામી છે. જોકે, જિલ્લાના કલેક્ટરે ચેપગ્રસ્ત વિસ્તારની એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને તમામ પક્ષીઓને મારવા આદેશ કર્યો છે.
બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં રાખીને હાલ સંબંધિત જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ આ વિસ્તારમાં કુલ 2 હજાર પક્ષીઓને મારવાના આદેશ આપ્યા છે.જ્યારે આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓએ હજુ સુધી આ બે જિલ્લા સિવાય રાજ્યના કોઈપણ પક્ષીમાં સંક્રમણની પુષ્ટિ કરી નથી. અધિકારીઓએ કહ્યું છે કે આ સિવાય ચેપગ્રસ્ત વિસ્તારથી 10 કિમીના વિસ્તારને સર્વેલન્સ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો અર્થ એ છે કે આ 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારની ખરીદી અને વેચાણ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલા વેહોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. આ પક્ષીઓના સેમ્પલની તપાસમાં તેને બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ હતી. આ પછી જિલ્લા વહીવટીતંત્રે એક કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત મરઘાં કેન્દ્રોના લગભગ 25,000 પક્ષીઓને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં થાણેના શાહપુર તાલુકાના વેહોલીમાં 300 થી વધુ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે. જેને જોતા પશુપાલન વિભાગે તાત્કાલિક એક કિલોમીટરની ત્રિજ્યામાં ઓછામાં ઓછા 25,000 પક્ષીઓનો નાશ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. બીજી તરફ પશુપાલન વિભાગે નાગરિકોએ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Maharashtra: BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર કર્યા પ્રહાર, BMC ને ગણાવ્યો ‘ કૌભાંડીઓનો અડ્ડો’