મુંબઈમાં (Mumbai) મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથના (Mauritius Prime Minister Pravind Jugnauth) સુરક્ષા કાફલામાં દારૂના નશામાં તેમની કાર લઈ જવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ ઘટના સોમવારે રાત્રે 1.50 કલાકે બની હતી, જ્યારે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથનો કાફલો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બાંદ્રા વર્લી સી લિંક તરફ આગળ વધી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રસ્તાની ઉત્તર-તરફ જતા ભાગ પર તૈનાત એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે કાફલાને પસાર થવા માટે ટ્રાફિક અટકાવ્યો હતો, પરંતુ એક કારમાં બેઠેલા બે લોકોએ હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું અને કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ બંનેની ઓળખ આકાશ અનિલ શુક્લા (24) અને સંતોષ ગિંડે (22) તરીકે થઈ છે.
પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે પોલીસે બંનેને કારમાં આગળ વધતા રોક્યા તો કારમાં બેઠેલા ગુંડાઓએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને મોબાઈલથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જ્યારે કાર ચલાવી રહેલા અનિલ શુક્લાએ પોલીસ અધિકારીઓ પર ગાડી ચડાવવાનો અને અને વિદેશી મહાનુભાવો માટે બનાવેલા માર્ગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
જ્યારે કારે સી-લિંક તરફ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને રોકી દેવામાં આવી અને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. કારમાં સવાર બંને યુવકોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના મેડિકલ ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે તેઓ દારૂના નશામાં હતા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર મોટર વાહન અધિનિયમની અન્ય કલમો સિવાય ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં 186 (જવાબદારીના વહનમાં જાહેર કર્મચારીને અવરોધ ઉભો કરવો), 279 (રેશ ડ્રાઇવિંગ) અને 336 (જીવનને જોખમમાં મુકવું) નો સમાવેશ થાય છે. બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.