Maharashtra: બીજી લહેર બાદ ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાનું (Corona) તાંડવ જોવા મળી રહ્યુ છે. જેમા મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં (Mumbai) દરરોજ 20 હજાર કોરોના કેસ આવી રહ્યા છે.
એક દિવસમાં મોટી માત્રામાં કોરોના કેસ (Corona Case) સામે આવતા સરકારની ચિંતા વધી ગઈ છે. મળતા અહેવાલ અનુસાર મુંબઈમાં 18 IPS ઓફિસરો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. જ્યારે છેલ્લા 48 કલાકમાં કુલ 114 પોલીસકર્મીઓ પોઝિટીવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 48 કલાકમાં બે પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 48 કલાકમાં 114 પોલીસકર્મીઓ અને 18 IPS અધિકારીઓ, જેમાં 13 ડીસીપી અને 4 CP સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ હોવાના લક્ષણો જોવા મળતાં જ આ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 125 પોલીસકર્મીઓ (Mumbai Police) વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 19,474 નવા કેસ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 44,388 નવા કેસ નોંધાયા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 69,20,044 થઈ ગઈ છે. આ સિવાય 12 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 1,41,639 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 41,434 કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.
આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે એક દિવસમાં 15,351 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 65,72,432 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,02,259 છે. બીજી તરફ રાજ્યમાં વધતા ઓમિક્રોન કેસે (Omicron Case) પણ ચિંતા વધારી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રવિવારે ઓમિક્રોનના 207 નવા કેસ નોંધાયા હતા, જેની સાથે કુલ કેસોની સંખ્યા વધીને 1,216 થઈ ગઈ છે.
આ પણ વાંચો : મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video
Published On - 11:45 am, Mon, 10 January 22