Maharashtra: મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય કિસાન સભા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં લગભગ 10,000 ખેડૂતો ફરી એકવાર માર્ચ પર નીકળ્યા છે. ખેડૂતોની આ કૂચ નાસિકથી મુંબઈ આવી રહી છે. જ્યાં તેઓ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરશે. બીજી તરફ, શિંદે-ફડણવીસ સરકાર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આંદોલનનો અંત આવે.
આપને જણાવી દઈએ કે, સરકાર સામે મોરચામાંસામેલ ખેડૂતો ડુંગળીના ભાવ સહિત 17 મુદ્દાની માગ સાથે નાસિકથી કૂચ કરી રહ્યા છે. ખેડૂતોની અગ્રણી માંગ ખાસ કરીને ડુંગળીના ભાવ વધારવાની છે. ખેડૂતો નિકાસ નીતિઓમાં ફેરફાર સાથે ડુંગળી માટે 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયાની તાત્કાલિક સબસિડીની માગ કરી રહ્યા છે.
કૂચ કરી રહેલા ખેડૂતોની અન્ય મુખ્ય માંગણીઓમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફી, બાકી વીજ બિલો માફ કરવા અને દિવસમાં ઓછામાં ઓછા 12 કલાક વીજળી મેળવવાનો સમાવેશ થાય છે. કમોસમી વરસાદ અને અન્ય કુદરતી આફતોના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે ખેડૂતો સરકાર અને વીમા કંપનીઓ પાસેથી વળતરની પણ માગ કરી રહ્યા છે.
તો સાથે જ ખેડૂતોએ તમામ જંગલની જમીનો, ગોચર, મંદિરો, ઇનામ, વકફ અને બેનામી જમીન ખેડૂતોના નામે કરવાની પણ માગણી કરી છે. આંદોલનકારીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી 1.40 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ માગ કરી રહ્યા છે.કૂચ કરતા ખેડૂતોને અસર કરતી બિનમોસમી વરસાદ અને અન્ય કુદરતી આફતોને કારણે પાકને થયેલા તમામ નુકસાન માટે વળતરની પણ માગ કરી છે. આ ઉપરાંત ગાયના દૂધનો લઘુત્તમ ભાવ 47 અને ભેંસના દૂધનો લઘુત્તમ ભાવ 67 કરવાની માંગ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, અગાઉ અને 2018 અને 2019 માં લગભગ મોટી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ માંગણીઓ સાથે મુંબઈ તરફ કૂચ કરી હતી. હવે ખેડૂતોની આ ત્રીજી ‘લોંગ માર્ચ’ છે.
Published On - 1:37 pm, Tue, 14 March 23