
આજના યુગમાં દરેક વસ્તુ બજારમાં વેચાય છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ‘સાથ’ અને ‘લાગણી’ પણ ભાડે મળી શકે છે? પંજાબના જલંધર, અમૃતસર અને લુધિયાણા જેવા શહેરોમાં એક નવો બજાર ઝડપથી વધી રહ્યો છે. આ બજાર છે- વૃદ્ધોની એકલતા દૂર કરવાનો. અહીં એવા વૃદ્ધો રહે છે જેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા છે અથવા નોકરીમાં વ્યસ્ત છે. પરિણામે, ખાલી ઘરોમાં એકલતા સાથે લડતા આ વડીલો હવે ‘ભાડાના સંતાનો’ એટલે કે પ્રોફેશનલ એટેન્ડન્ટ્સનો સહારો લઈ રહ્યા છે.
આ કોઈ હોસ્પિટલની સેવા નથી, પણ એક સામાજિક જરૂરિયાત બની ગઈ છે. શહેરમાં આવી 40 થી વધુ કંપનીઓ સક્રિય છે, જે માત્ર દવા આપવાનું કામ નથી કરતી, પણ વૃદ્ધો સાથે બેસીને તાશ રમે છે, ટીવી જુએ છે, છાપું વાંચી સંભળાવે છે અને તેમની જૂની યાદો સાંભળે છે. 750 થી વધુ એટેન્ડન્ટ્સ અત્યારે આ વ્યવસાયમાં જોડાયેલા છે, જેમને ‘બાપુજી’ કે ‘માતાજી’ કહીને બોલાવવાની ખાસ તાલીમ આપવામાં આવે છે.
આ સેવાની માગ હવે ગામડાઓ સુધી પહોંચી ગઈ છે. એક કંપની જેની શરૂઆત 2017 માં માત્ર 10 વૃદ્ધોથી થઈ હતી, આજે ત્યાં 40 થી વધુ વડીલો નોંધાયેલા છે. દરેક કંપનીમાં સરેરાશ 25 થી 35 એટેન્ડન્ટ્સ કામ કરે છે. આ સેવા માટે દરરોજ 1000 રૂપિયાથી ચાર્જ શરૂ થાય છે, જે જરૂરિયાત મુજબ વધતો રહે છે.
કેર સર્વિસ એસોસિએશનના જણાવ્યા મુજબ, 2016-17 પછી આ ટ્રેન્ડમાં મોટો ઉછાળો આવ્યો છે. સંતાનો ભલે વિદેશમાં ડૉલર કમાતા હોય, પણ વતનમાં રહેલા માતા-પિતા માટે હવે આ ‘ભાડાના એટેન્ડન્ટ્સ’ જ સાચું સંતાન સુખ બની રહ્યા છે.
પંજાબનો આ ટ્રેન્ડ લાલબત્તી સમાન છે કે આર્થિક સમૃદ્ધિ વચ્ચે માણસ સામાજિક રીતે કેટલો એકલો પડી રહ્યો છે. શું ભવિષ્યમાં લાગણીઓ માત્ર પૈસાથી જ ખરીદી શકાશે? તે એક મોટો સવાલ છે.