તમે જ્યારે પણ ખાદ્ય ચીજો (Food Items) ખરીદો છો, ત્યારે તેના પર એક પ્રતીક બનાવવામાં આવે છે, જે દર્શાવે છે કે ખાદ્ય ચીજ શાકાહારી છે કે માંસાહારી. પરંતુ, હવે આ પ્રતીકો અથવા ચિહ્નોમાં ત્રીજું પ્રતીક ઉમેરવામાં આવ્યું છે, જે ખાસ પ્રકારના વીગન ફૂડ (Vegan Food) માટે છે.
એટલે કે, જે લોકો વીગન ડાયેટનું પાલન કરે છે, હવે તેમના માટે પણ એક વિશેષ પ્રતીક હશે. આ પ્રતીક પરથી જાણી શકાય છે કે પેકેટમાંની વસ્તુઓ વેગન ફૂડ છે. પહેલા વીગન ફૂડ અલગથી લખવું પડતું હતું. પરંતુ હવે તે ચિહ્ન પરથી શોધી શકાશે. તેનાથી શાકાહારી અને માંસાહારી લોકો પણ વીગન ફૂડ વિશે જાણશે અને વીગન ફૂડ લોકો માટે તેમનો ખોરાક શોધવામાં સરળતા રહેશે. આપણે જાણીએ કે વીગન ફૂડ શું છે અને તેનું પ્રતીક શું હશે, જેથી ખાદ્ય ઉત્પાદનો લેતી વખતે તમને તેના વિશે ખબર પડે.
વીગન ફૂડ માટે શું ચિહ્ન છે ?
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ તેનો નવો લોગો લોન્ચ કર્યો છે. આ લોગો સાથે, ગ્રાહકો બજારમાં માંસાહારી અને વીગન ફૂડ ઉત્પાદનો વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકશે. નવા FSSAI લોગોમાં લીલા બોક્સની અંદર મોટો લીલો ‘V’ હશે. ‘V’ ની મધ્યમાં એક નાનો છોડ હશે જ્યારે ‘VEGAN’ તળિયે મોટા અક્ષરમાં લખવામાં આવશે. વીગન ફૂડ માટે લોન્ચ કરાયેલ લોગો શાકાહારી અને માંસાહારીના લોગોથી સંપૂર્ણપણે અલગ છે, જેથી ગ્રાહક સરળતાથી ઉત્પાદન પસંદ કરી શકે.
વીગન ફૂડ શું છે ?
ઘણા લોકો વિચારે છે કે વેજ ડાયટ અને વેગન ડાયેટ બંને સરખા છે પરંતુ એવું બિલકુલ નથી. ભલે બંને આહારમાં માંસ અને માછલી ખાવામાં આવતી નથી, તેમ છતાં બંને વચ્ચે મોટો તફાવત છે. જેઓ વીગન ફૂડ લે છે તેઓ દૂધ અને દહીં પણ ખાતા નથી. વીગન ફૂડમાં ચિકન, મટન, ઇંડા, માછલીનો ઉપયોગ કરવામાં આવતો નથી, પશુઓ દ્વારા મળતી કોઈ પણ વસ્તુને તેઓ સેવન કરતા નથી. ઉદાહરણ તરીકે, દૂધ, દહીં, મધ, ઘી, માખણ અથવા તો આ વસ્તુઓમાંથી બનેલી મીઠાઈઓ. વીગન ફૂડમાં માત્ર વૃક્ષ અને છોડમાંથી મળેલા ખાદ્ય પદાર્થોનો વપરાશ થાય છે.
વીગન ફૂડમાં શું ખવાય છે ?
આ આહારમાં ફળો, શાકભાજી, અનાજ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં દૂધને બદલે, સોયાબીન અથવા બદામનું દૂધ લઈ શકો છો. રસોઈ માટે ઘીને બદલે ઓલિવ ઓઈલ, તલનું તેલ વાપરી શકાય છે. અનાજ, જવ, બાજરી, જુવાર, કેળા વગેરે કાર્બોહાઈડ્રેટ માટે લેવામાં આવે છે. ટોફુ, વટાણા, બદામ, કઠોળ, સોયાબીનનો લોટ વગેરે પ્રોટીન માટે વપરાય છે. જો ઇચ્છા હોય તો બ્રાઉન બ્રેડ, ડ્રાય ફ્રુટ્સ, અંજીર, અળસી, અખરોટ, જરદાળુ વગેરે પણ વીગન ફૂડમાં લઈ શકાય છે.
આ પણ વાંચો : ઉંચાઈ પ્રમાણે તમારા શરીરનું વજન કેટલું હોવું જોઈએ ? જાણો કેટલું વજન સારા સ્વાસ્થ્યની નિશાની !
આ પણ વાંચો : શું વિમાનમાં હોર્ન હોય છે ? જો હા, તો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે ?