
બધા ડૉક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સ એ જ સલાહ આપે છે કે, દિવસની શરૂઆત પૌષ્ટિક નાસ્તાથી કરવી જોઈએ. તેમના મતે બ્રેકફાસ્ટ એવો હોવો જોઈએ, જેનાથી શરીરને લાંબા સમય સુધી ઊર્જા મળતી રહે. કહેવાય છે કે, સારો નાસ્તો એ જ છે જેમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટનું યોગ્ય સંતુલન હોય.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને ફિટનેસ ઇન્ફ્લુએન્સર વંશિકા ખુરાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ કોમ્બો શેર કર્યો છે. હૈદરાબાદી સ્ટ્રીટ ફૂડ સ્પોટ ઇડલીને તેમણે આરોગ્યપ્રદ અંદાજમાં રજૂ કરી છે, જેની સાથે નાળિયેરની ચટણી અને આઇસ્ડ ફિલ્ટર કોફી સર્વ કરવામાં આવે છે. તેમના મતે, આ આખા નાસ્તામાં લગભગ 25 ગ્રામ પ્રોટીન અને આશરે 425 કૅલરી હોય છે.
ત્રણ સ્પોટ ઇડલી બનાવવા માટે 40 ગ્રામ બાફેલા અને નીચોવેલા સોયા ગ્રેન્યુલ્સ, 1 ચમચી ઘી, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 7-8 મીઠા લીમડાના પાન અને અડધો મોટો ચમચો આદુ-લસણની પેસ્ટ લો.
શાકભાજીમાં સમારેલી ડુંગળી, સમારેલું ટામેટું, અડધું છીણેલું ગાજર અને અડધું છીણેલું બીટ જોઈશે. મસાલામાં મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, કાળા મરી અને પોડી મસાલાની સાથે 3 સર્વિંગ સ્પૂન ઢોસાનું બેટર તૈયાર રાખો.
પેનમાં ઘી ગરમ કરીને રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને આદુ-લસણની પેસ્ટ નાખીને બે મિનિટ સાંતળો. હવે ડુંગળી, ટામેટું, બીટ, ગાજર અને સોયા ગ્રેન્યુલ્સ ઉમેરો. મસાલા અને થોડું પાણી નાખીને 2-3 મિનિટ પકાવો.
આ મસાલાને પેનમાં ત્રણ ભાગમાં વહેંચીને ફેલાવો અને દરેક ભાગની ઉપર ઢોસાનું બેટર રેડો. ઢાંકીને ધીમી આંચ પર 5-6 મિનિટ પકાવો. ઈચ્છો તો ઉપરથી થોડું ઘી અને પોડી મસાલો છાંટી શકો છો.
ચટણી માટે 2 મોટા ચમચા શેકેલો દાળિયો, 1 ચમચી ઘીમાં તળેલા 2 સૂકા લાલ મરચા અને 3-4 લસણની કળી લો. તેને પોણો કપ નાળિયેર, પોણો કપ લીલા ધાણા, મીઠું અને લીંબુના રસ સાથે વાટી લો અને રાઈ, જીરું તથા મીઠા લીમડાના પાનનો વઘાર કરો.
આઇસ્ડ ફિલ્ટર કોફી માટે ગ્લાસમાં ફિલ્ટર કોફીનો ઉકાળો, ચપટી સી સોલ્ટ, મધ અથવા સ્વીટનર અને ખૂબ બધો બરફ નાખો. આ પછી ઉપરથી 150 મિલીલીટર લો (Low)-ફેટ દૂધ રેડીને તૈયાર કરો.