Dadpe Pohe Recipe: મહારાષ્ટ્રની પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ‘દડપે પોહે’ ખાઈને મજા ના આવે તો કહેજો, મિનિટોમાં જ તૈયાર થઈ જશે આ ડીશ

મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીશ દડપે પોહે ડાયેટ કરનારાઓ માટે બેસ્ટ ઓપ્શન છે. જાણો રાંધ્યા વગર ઝટપટ બની જતી આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીની કમ્પ્લીટ રેસિપી.

Dadpe Pohe Recipe: મહારાષ્ટ્રની પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ‘દડપે પોહે’ ખાઈને મજા ના આવે તો કહેજો, મિનિટોમાં જ તૈયાર થઈ જશે આ ડીશ
Image Credit source: google- cookpad
| Updated on: Jun 29, 2026 | 8:27 PM

આજકાલ લોકોને ઘરના રસોડામાં અખતરા કરવા અને દેશના અલગ-અલગ રાજ્યોની પરંપરાગત વાનગીઓ બનાવવી ખૂબ ગમે છે. ઈડલી, ઢોસા, ઢોકળા અને વડાપાવની જેમ જ મહારાષ્ટ્રની વધુ એક પોપ્યુલર ડીશ ‘દડપે પોહે’ (Dadpe Pohe) પોતાના અનોખા સ્વાદ અને બનાવવાની રીત માટે દેશભરમાં જાણીતી બની રહી છે. આ નાસ્તાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે ગેસ પર રાંધવાની બિલકુલ જરૂર પડતી નથી. વજન ઘટાડવા માંગતા લોકો અને હેલ્થ કોન્સિયસ લોકો માટે આ એક બેસ્ટ અને લાઈટ નાસ્તો છે, જેને સવારના બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિનર સુધી ગમે ત્યારે ખાઈ શકાય છે.

શું છે ‘દડપે’ શબ્દનો અર્થ?

મરાઠી ભાષામાં ‘દડપે’ શબ્દ ‘દાબણે’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે દબાવવું અથવા ઢાંકીને રાખવું. આ વાનગીમાં પૌઆને બધા મસાલા અને શાકભાજી સાથે મિક્સ કર્યા પછી થોડીવાર માટે પ્લેટ વડે દબાવીને અથવા તો ચુસ્ત રીતે ઢાંકીને રાખવામાં આવે છે, જેથી વરાળ અને ભેજને કારણે તે સોફ્ટ અને ટેસ્ટી બની જાય છે. મહારાષ્ટ્રમાં આ વાનગી સામાન્ય રીતે તાજું નાળિયેર, ડુંગળી, કોથમીર અને લીલા મરચાં ઉમેરીને બનાવવામાં આવે છે.

દડપે પોહે બનાવવા માટેની સામગ્રી (4 લોકો માટે)

  • 2 કપ જાડા પૌઆ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
  • અડધો કપ તાજું છીણેલું નાળિયેર (ટોપરું)
  • 2-3 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • 1-2 ચમચી ખાંડ (ઈચ્છો તો)
  • સ્વાદાનુસાર મીઠું
  • 1-2 મોટી ચમચી લીંબુનો રસ
  • વઘાર માટે: 2 મોટી ચમચી તેલ, 1 નાની ચમચી રાઈ, અડધી નાની ચમચી જીરું, 8-10 મીઠા લીમડાના પાન, એક ચપટી હિંગ અને જરૂર મુજબ હળદર.

બનાવવાની એકદમ સરળ રીત

  • મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા જાડા પૌઆને એક ચાળણીમાં લઈને હળવા પાણીથી ધોઈ લો. તેમાંથી બધું જ વધારાનું પાણી નિતારી લો અને તેને 8 થી 10 મિનિટ માટે એમ જ છોડી દો, જેથી પૌઆ એકદમ સોફ્ટ (નરમ) થઈ જાય.
  • હવે એક મોટા વાસણમાં આ નરમ થયેલા પૌઆ કાઢી લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, છીણેલું નાળિયેર, કોથમીર, મીઠું, ખાંડ (જો વાપરતા હોવ તો) અને લીંબુનો રસ ઉમેરીને હળવા હાથે બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ વઘાર કરવા માટે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીને તતડવા દો. પછી જીરું, મીઠો લીમડો, હિંગ અને હળદર પાવડર ઉમેરીને થોડી સેકન્ડ માટે સાંતળી લો.
  • હવે આ ગરમ વઘારને પૌઆના મિશ્રણ પર નાખી દો અને બરાબર મિક્સ કરી લો. વઘાર ભળ્યા પછી તરત જ તે વાસણને એક પ્લેટ ઢાંકીને ઉપર થોડું વજન મૂકી દબાવી દો અને 10 -15 મિનિટ માટે બાજુ પર રાખી મૂકો. આ પ્રક્રિયાને જ ‘દડપના’ કહેવાય છે.

તમારા ટેસ્ટી અને હેલ્ધી દડપે પોહે તૈયાર છે. સર્વ કરતી વખતે ઉપરથી થોડું વધારે છીણેલું નાળિયેર, ઝીણી કોથમીર અને ઝીણી સેવ ભભરાવીને સજાવટ કરો. આ પૌઆને તમે ગરમાગરમ ચા, દહીં અથવા છાશ સાથે મજા માણી શકો છો.

Potato Pickle Recipe: દરરોજ બટાકાનું શાક ખાઈને કંટાળી ગયા છો? આજે જ બનાવો ચટપટું બટાકાનું અથાણું, દાળ-રોટલીનો સ્વાદ થઈ જશે ડબલ

Follow Us