ઘૂઘરાને બદલે માવો ભરીને આ દિવાળીએ ઘરે બનાવો ચંદ્રકલા મીઠાઈ, ખૂબ સરળ છે રેસિપી

દિવાળીના તહેવાર પર બજારની મીઠાઈ લાવવાને બદલે ઉત્તર ભારતની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ચંદ્રકલા મીઠાઈ ઘરે જ બનાવો. માવા અને ડ્રાયફ્રૂટ્સના સ્ટફિંગવાળી, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ મીઠાઈ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રેસિપી અહીં જાણો.

ઘૂઘરાને બદલે માવો ભરીને આ દિવાળીએ ઘરે બનાવો ચંદ્રકલા મીઠાઈ, ખૂબ સરળ છે રેસિપી
| Updated on: Nov 04, 2026 | 10:15 PM

દિવાળીનો તહેવાર હોય અને ઘરમાં મીઠાઈઓની સુગંધ ન આવે, એવું તો કેમ બને! આ ખાસ પ્રસંગે લોકો ઘરમાં અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બનાવતા હોય છે. જો તમે પણ આ દિવાળીએ બજારમાંથી મીઠાઈ ખરીદવાના બદલે ઘરમાં કંઈક ખાસ બનાવવા માંગતા હોવ, તો ચંદ્રકલા મીઠાઈ બનાવી શકો છો.

ઉત્તર ભારતની પરંપરાગત મીઠાઈઓમાંની એક એવી ચંદ્રકલા દેખાવમાં ઘૂઘરા જેવી લાગે છે, પરંતુ તેનો સ્વાદ અને બનાવવાની રીત તેને ખૂબ ખાસ બનાવે છે. તેની અંદર માવો, બદામ, કાજુ, કિસમિસ અને નારિયેળનું પૂરણ (સ્ટફિંગ) હોય છે. તેને ઘીમાં ગોલ્ડન બ્રાઉન તળીને કેસર અને એલચીવાળી ચાસણીમાં બોળવામાં આવે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મુલાયમ એવી આ મીઠાઈ બાળકોથી લઈને વડીલો સુધી તમામને ખૂબ પસંદ આવશે. આવો જાણીએ તેને ઘરે બનાવવાની સરળ રેસિપી.

ચંદ્રકલા બનાવવા માટેની સામગ્રી

સ્ટફિંગ તૈયાર કરવા માટે:

  • 1 મોટી ચમચી ઘી
  • 2 મોટી ચમચી ઝીણી સમારેલી બદામ
  • 2 મોટી ચમચી ઝીણા સમારેલા કાજુ
  • 2 મોટી ચમચી છીણેલું નારિયેળ
  • 2 મોટી ચમચી કિસમિસ
  • 1 કપ માવો (ખોયા)

લોટ બાંધવા માટે:

  • 2 કપ મેંદો
  • 2 મોટી ચમચી ઘી (મોણ માટે)
  • એક ચપટી બેકિંગ પાવડર
  • એક ચપટી મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે ઘી અથવા તેલ

ચાસણી બનાવવા માટે:

  • 1 કપ ખાંડ
  • અડધો કપ પાણી
  • 1/4 નાની ચમચી એલચી પાવડર
  • કેસરના થોડા તાંતણા

ચંદ્રકલા મીઠાઈ બનાવવાની રીત

  • સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કરો:

એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં સમારેલી બદામ, કાજુ, છીણેલું નારિયેળ અને કિસમિસ ઉમેરીને હળવું સાંતળી લો. હવે તેમાં માવો ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પકવો. જ્યારે આ મિશ્રણ એકરસ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. આ મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા માટે એક બાજુ રાખી દો.

  • ચંદ્રકલા માટે લોટ બાંધો:

એક મોટા વાસણમાં મેંદો, ઘી, બેકિંગ પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. હવે ધીમે-ધીમે જરૂર મુજબ પાણી ઉમેરીને થોડો કઠણ અને સુંવાળો લોટ બાંધી લો. લોટને ઢાંકીને લગભગ 20 મિનિટ માટે રહેવા દો.

  • ચંદ્રકલાનો આકાર આપો:

હવે લોટમાંથી નાના-નાના લૂઆ બનાવી લો અને તેને ગોળ પૂરીની જેમ વણી લો. એક પૂરીની વચ્ચે તૈયાર કરેલું માવા અને ડ્રાયફ્રૂટ્સનું સ્ટફિંગ મૂકો. કિનારીઓ પર થોડું પાણી લગાવો અને તેની ઉપર બીજી ગોળ પૂરી મૂકી દો. કિનારીઓને બરાબર દબાવીને સીલ કરો જેથી તળતી વખતે અંદરનું સ્ટફિંગ બહાર ન નીકળે. કિનારીઓને હાથથી હળવી વાળીને સરસ ડિઝાઇન આપી શકો છો.

  • ઘીમાં સોનેરી તળી લો:

એક કઢાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો. તૈયાર કરેલી ચંદ્રકલાને ધીમીથી મધ્યમ આંચ પર ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ધ્યાન રાખો કે તેને ફાસ્ટ આંચ પર ન તળવી, નહીં તો બહારથી ઝડપથી રંગ આવી જશે અને અંદરથી કાચી રહી જશે.

  • કેસરવાળી ચાસણી બનાવો:

એક બીજા વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ કરવા મૂકો. એક તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં એલચી પાવડર અને કેસરના તાંતણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

  • ચાસણીમાં બોળીને તૈયાર કરો:

હવે ગરમ ચાસણીમાં તળેલી ચંદ્રકલા ઉમેરો અને લગભગ 2 થી 3 મિનિટ સુધી તેમાં ડૂબાડી રાખો. ત્યારબાદ તેને બહાર કાઢી લો. સ્વાદિષ્ટ ચંદ્રકલા મીઠાઈ તૈયાર છે; આ દિવાળીએ તેને મહેમાનોને પીરસીને ખુશ કરી દો.

ભારતમાં ક્યાંથી આવી સોન પાપડી ? દિવાળી પર મીઠાઈનું બોક્સ હાથમાં આવે તે પહેલાં જાણી લો તેનો રસપ્રદ ઇતિહાસ

Follow Us
Loading...
Unable to load recommendations.