
આયુર્વેદમાં આમળાને અમૃત સમાન માનવામાં આવ્યા છે. કહેવાય છે કે આમળાનું સેવન ત્રણેય દોષ (વાત, કફ અને પિત્ત) પ્રકૃતિના લોકો કરી શકે છે. આમળામાં સૌથી વધુ વિટામિન-C મળી આવે છે. આ ઉપરાંત તેમાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. શિયાળામાં લોકો આમળાની ચટણી, અથાણું, મુરબ્બો અને કેન્ડી જેવી વસ્તુઓ બનાવીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આમળાની બરફી પણ બનાવવામાં આવે છે?
જો તમે કંઈક અલગ અને સ્વાદિષ્ટ ખાવા માંગો છો, તો આ શિયાળામાં આમળાની બરફી બનાવી શકો છો. તેને નાળિયેર અને ગોળ સાથે તૈયાર કરવામાં આવે છે, જેના કારણે તે હળવી ખટાશ ધરાવવાની સાથે-સાથે મીઠી પણ હોય છે. આવો જાણીએ ઘરે કઈ રીતે આમળા અને નાળિયેરની બરફી બનાવવી.
સૌપ્રથમ આમળાને સારી રીતે ધોઈને સાફ કરી લો. ત્યારબાદ એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં આમળા નાખીને બાફી લો. જ્યારે આમળા નરમ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. તેને પાણીમાંથી કાઢીને ઠંડા થવા દો. ત્યારબાદ આમળાની પેશીઓ અલગ કરી લો અને ઠળિયા કાઢી લો. ધ્યાન રહે કે આમળા તાજા અને ડાઘ રહિત હોવા જોઈએ.
ઠળિયા કાઢ્યા બાદ આમળાની પેશીઓને મિક્સરમાં નાખીને અધકચરી પીસી લો. તેની પેસ્ટ બહુ પાતળી નથી કરવાની. અધકચરી પેસ્ટ બરફીને સારું ટેક્સચર (બનાવટ) આપવામાં મદદ કરે છે. જો મિક્સરમાં ન પીસવા માંગતા હોવ, તો આમળાને છીણી પણ શકો છો. ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી ઘી નાખીને તેમાં છીણેલું નાળિયેર ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહીને હળવું શેકી લો. જ્યારે નાળિયેરમાંથી હળવી સુગંધ આવવા લાગે, ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો.
હવે તે જ કડાઈમાં ગોળની ચાસણી તૈયાર કરવાની છે. આ માટે કડાઈમાં બે થી ત્રણ મોટી ચમચી પાણી નાખીને ધીમા તાપે ગોળને ઓગાળી લો. જ્યારે ગોળ પૂરી રીતે ઓગળી જાય ત્યારે તેને ગાળી લો. હવે ગોળના પ્રવાહીને ફરીથી કડાઈમાં નાખો અને આમળાની પેસ્ટ ઉમેરી સારી રીતે ભેળવી દો. તેને ધીમા તાપે પાકવા દો. મિશ્રણ જ્યારે થોડું ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં શેકેલું નાળિયેર નાખી દો. મિશ્રણને સતત હલાવતા રહો.
મિશ્રણ જ્યારે ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે ત્યારે તેમાં બચેલું ઘી, એલચી પાવડર, બદામ અને કાજુ નાખી દો. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો. હવે એક થાળી કે મોટી પ્લેટમાં થોડું ઘી લગાવીને ચીકણી કરી લો. તૈયાર મિશ્રણને તેમાં નાખીને ચમચીની મદદથી એકસરખું ફેલાવી દો. ઉપરથી ખસખસ કે સમારેલા સૂકા મેવા નાખીને સજાવી દો. ઠંડુ થયા બાદ તેને થોડીવાર માટે ફ્રિજમાં મૂકી દો. જ્યારે મિશ્રણ સારી રીતે જામી જાય, ત્યારે છરી વડે મનપસંદ આકારમાં બરફી કાપી લો. તેને થોડા દિવસો સુધી ફ્રિજમાં રાખીને ખાઈ શકો છો. આ રીતે તમે ઘરે સરળતાથી આમળા અને નાળિયેરની સ્વાદિષ્ટ બરફી બનાવી શકો છો.