
ઓફિસેથી ઘરે આવી ગયા છો, લેપટોપ બંધ કરી દીધું છે, કપડાં બદલી લીધા છે અને પરિવાર સાથે બેઠા પણ છો- છતાં મગજ હજુ પણ ઓફિસમાં જ અટવાયેલું છે. કોઈ મીટિંગમાં કહેવાયેલી વાત યાદ આવી રહી છે, કોઈ ઇમેઇલનો જવાબ આપવાનો બાકી છે અથવા તો બીજા દિવસના પ્રેઝન્ટેશનની ચિંતા સતાવી રહી છે. આજે મોટાભાગના લોકો માટે કામ પૂરું થવાનો અર્થ ખરેખર કામમાંથી મુક્તિ મેળવવો રહ્યો નથી. આ જ સંદર્ભે આજે આપણે ‘મેન્ટલ સ્વિચિંગ ઓફ’ (Mental Switching Off) વિશે જાણીશું અને તેમાંથી કેવી રીતે રાહત મેળવવી તે સમજીશું.
ન્યુરોલોજિસ્ટના જણાવ્યા મુજબ, એક મોટું કારણ એ છે કે આપણું મગજ કોઈ સ્વિચ જેવું નથી હોતું કે જે ઓફિસથી નીકળતાં જ તરત બંધ થઈ જાય. આખો દિવસ જો મગજ ડેડલાઇન્સ, મીટિંગ્સ અને સતત આવતી માહિતીમાં વ્યસ્ત રહ્યું હોય, તો તેને શાંત થવામાં થોડો સમય લાગે છે. તેમણે આગળ જણાવ્યું કે ઘણીવાર શરીર ઓફિસમાંથી બહાર નીકળી આવે છે, પણ મગજ નથી નીકળી શકતું. ખાસ કરીને જ્યારે કામ સંબંધિત મેસેજ અને ઇમેઇલ ઘરે આવ્યા પછી પણ સતત આવતા રહે છે. જો આપણે સતત તેને જોતા રહીએ કે તેના વિશે વિચારતા રહીએ, તો મગજને એ સમજવાનો મોકો જ નથી મળતો કે હવે કામનો સમય પૂરો થઈ ગયો છે.
માની લો કે દિવસ પૂરો થઈ ગયો છે, પણ ત્રણ ઇમેઇલના જવાબ આપવાના બાકી છે અને કાલે સવારે એક મહત્વની મીટિંગ છે. ભલે તમે તે સમયે પરિવાર સાથે હોવ કે બીજું કંઈક કરી રહ્યા હોવ, પણ મગજ તમને એ વાતો વારંવાર યાદ અપાવ્યા કરે છે. એટલા માટે જ કામ પૂરું કરતાં પહેલાં બીજા દિવસના જરૂરી કામો એક કાગળ પર લખી લેવાની ટેવ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આનાથી બધી બાબતો મગજમાં ગોખી રાખવાની જરૂરિયાત ઘટી જાય છે.
બીજી મોટી સમસ્યા સતત કનેક્ટેડ રહેવાની છે. પહેલાંના સમયમાં ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી કામ અને પર્સનલ લાઈફ વચ્ચે એક કુદરતી અંતર બની જતું હતું. હવે ઓફિસ આપણા સ્માર્ટફોનમાં આપણી સાથે ફરે છે. એક નોટિફિકેશન આવે છે, આપણે તે જોઈએ છીએ, પછી બીજો મેસેજ આવે છે અને જોતજોતામાં આપણું ધ્યાન પાછું ઓફિસના કામ પર પહોંચી જાય છે.
કામના તણાવની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કામ વિશે જ વિચારતી રહે અને તેને માનસિક રીતે ડિસકનેક્ટ થવાનો મોકો ન મળે, તો તે સતત થાક અનુભવી શકે છે. એકાગ્રતામાં ઘટાડો, ચિડચિડાપણું, ઊંઘ બગડવી અને વારંવાર માથાનો દુખાવો થવો જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. જે લોકોને પહેલેથી જ માઇગ્રેનની તકલીફ હોય, તેમના માટે તણાવ, પૂરતી ઊંઘ ન મળવી, અનિયમિત ખોરાક અને લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવું જેવા પરિબળો ભેગા થઈને લક્ષણોને વધારી શકે છે. આનો અર્થ એ નથી કે ઓફિસનો દરેક સ્ટ્રેસ બીમારીનો સંકેત છે, પરંતુ જો આવા લક્ષણો સતત રહે કે રોજિંદી જિંદગીને અસર કરવા લાગે તો તેને અવગણવા પણ ન જોઈએ.
ડોક્ટર કહે છે કે, “Mental switching off નો અર્થ જવાબદારીઓથી ભાગવું નથી. આનો અર્થ મગજને રિકવરીનો સમય આપવો છે. આપણે સતત આઠ-દસ કલાક શરીર પાસે કામ કરાવીને તેને આરામ વગર ન છોડી શકીએ. મગજ સાથે પણ આ જ વાત લાગુ પડે છે.”