હરિધામ-સોખડા મંદિરમા સંતો દ્વારા મારામારીની ઘટનાઃ યુવકના પિતાનો વીડિયો સામે આવ્યો, કહ્યું આમારા પર જોખમ છે

|

Jan 12, 2022 | 12:47 PM

યુવકના પિતાએ એક વીડિયો જાહેર કરીને ન્યાની માગણી કરી છે. જેમાં તેમણે કહ્યું કે મારામારીનો વીડિયો બહાર ન આવ્યો હોત તો અનુજની હત્યા કરીને આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી હોત.

હરિધામ- સોખડા મંદિર (Sokhada-Haridham Temple) માં સંતો (Saints) દ્વારા સેવકને માર મારવાની ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી જેના પગલે ભોગ બનનાર (victim) યુવકના પિતાએ એક વીડિયો (Video) જાહેર કરીને ન્યાની માગણી કરી છે. આ વીડિયોમાં તેના પિતાએ પોતાના પર ભય હોવાનું પણ જણાવ્યું છે.

સોખડા હરિધામ મંદિરમાં કામ કરતા અનુજ ચૌહાણ નામના યુવકને મંદિરના સંતોએ માર માર્યો હોવાનો વીડિયો બહાર આવ્યો હતો. આ ઘટનાને પગલે અનુજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. જોકે હવે તેને અને તેના પિતા વિરેન્દ્ર ચૌહાણને આ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

અનુજના પિતાનો એક વીડિયો બહાર આવ્યો છે તેમાં તેણે કહ્યું છે કે જો મારામારીનો વીડિયો બહાર ન આવ્યો હોત તો અનુજની હત્યા કરીને આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી હોત. તેમણે એમ કહ્યું છે કે કેટલાક લોકો દ્વારા તેમના પર ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે અનુજને માર માર્યા બાદ મંદિરમાં પેંડા અને જલેબી વેંચવામાં આવી હતી.

આ વીડિયોમાં અનુજના પિતાએ કહ્યું છે કે તેઓ તેમને સુરક્ષિત નહીં રહેવા દે તેવી ભીતી છે. અંદરની અને બહારની શક્તિઓનો ભય છે. તેમના માણસો અમારા ઘરે આવીને ધમકી આપી રહ્યા છે. અમારો પરિવાર ખુબ જ ભય હેઠળ છે. જેના કારણે અમે પોલીસની મંજૂરી લઈને અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયાં છીએ. હાલ તેમના જીવ પર જોખમ હોવાથી હાલ તેઓ વડોદરા પાછા આવવા માગતા નથી તેમ પણ જણાવ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે અમારી પર આ સામાન્ય અરજી પાછી ખેચી લેવા દબાણ કરાઈ રહ્યું છે. જો આ અરજી સામાન્ય જ છે તો શા માટે આટલા મોટા સ્તર પર અમને દબાણ કરાઈ રહ્યું છે. શા માટે અમારા નાના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. તેમે ગુનો કર્યો છે તે કાર્યવાહી થવા દો. તેમને વિનંતી છે કે ઠાકોરજીના પૈસા આમ વેડફશો નહીં. તેને સારા કાર્યમાં વાપરો એવી મારી પ્રાર્થના છે.

અત્યાર સુધીમાં આ કેસમાં 6 લોકોની પુછપરછ કરાઈ છે પરંતુ મારામારીમાં સામેલ ચારમાંથી એક પણ સંતની પુછપરછ કરાઈ નથી. જોકે હવે આ વીડિયો બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા સંતોની પુછપરછ થાય તેવી સંભાવના છે. મંદિર ટ્રષ્ટ અને સંતો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અનુજ દ્વારા કેટલાક સંતો અને મહિલાઓના વીડિયો બનાવતો હતો અને વારંવાર તેને આ બાબતે કહેવામાં આવ્યું હતું છતાં તે આવી પ્રવૃત્તિઓ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે મારામારીની ઘટનાને પગલે સોખડા મંદિરમાં કેટલાક સંતોને મંદિરની બહાર જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કેટલાક હરિભક્તોને મંદિરમાં જવા દેવામાં આવી રહ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મંદિરના 50 જેટલા સંતોના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવડાવવામાં આવ્યા હોવાનું પણ હરિભક્તોએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Vadodara: હનુમાનજીને તેલ ચડાવવા મૂર્તિ પાસે નહીં જવું પડે, એક બટન દબાવવાથી હનુમાનજીને તેલ અર્પણ થશે

આ પણ વાંચોઃ  લગ્ન પ્રસંગોની કામગીરી સાથે જોડાયેલા વેપારીઓના ચહેરા પર નિરાશા, ફરી મોટુ નુકસાન સહન કરવુ પડે તેવી સ્થિતિ

Next Video