વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામના(Online Exams ) ત્રીસ મિનિટ પહેલા પણ પરીક્ષા ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, ઘણી વખત વિદ્યાર્થીઓ બિમારી સહિતના કારણોથી પરીક્ષાના ફોર્મ ભરી શકતા ન હતા અને તેને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતા હતા. આમ, આવી સ્થિતિને જોતા વિદ્યાર્થીઓના હીતને ધ્યાને રાખી પરીક્ષાના ત્રીસ મિનિટ પહેલા ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા અમે ઊભી કરી છે.
જો કે, તે સમયે વિદ્યાર્થીઓએ રૂ. બે હજાર પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મને લગતી માહિતી કોલે જોને આપવાની રહેશે અને વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસી જવાનું રહેશે. જે પછી કોલેજ વિદ્યાર્થીઓને લોગીન આઇડી આપશે અને વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થાય પછી કોલેજે તાકિદે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરી યુનિવર્સિટીને આપવાનું રહેશે.
આ સેવાનો લાભ યુજીના એકથી પાંચ સેમેસ્ટરના તથા પીજીના એકથી ત્રણ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મળશે. અહીં વાત એવી છે કે પહેલા પરીક્ષાની તારીખની જે તે તારીખથી સાત દિવસ પહેલા લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેતું હતું. પણ હવે પરીક્ષાના સમયથી ત્રીસ મિનિટ પહેલા ફોર્મ ભરી શકાશે.
25 નવેમ્બરે મોક ટેસ્ટ અને 29મીથી ઓનલાઇન એક્ઝામ
યુનિવર્સિટી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદા જુદા સેમેસ્ટરની 25 નવેમ્બરેથી ઓનલાઇન મોક ટેસ્ટ શરૂ થઈ રહી છે. તે પછી 29 નવેમ્બરથી મેઇન ઓનલાઇન એક્ઝામ શરૂ થઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ વેબસાઇટ પર જાહે રકરવામાં આવ્યું છે. અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેમેસ્ટર મુજબ પરીક્ષાનો સમય પણ યુનિવર્સીટીએ જુદો જુદો રાખ્યો છે.
હવે 5 મિનિટ પહેલા લોગીન થવાશે, 3 વોર્નિંગ પછી વિદ્યાર્થી પરીક્ષાની બહાર
યુનિવર્સિટીએ આ વખતે ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સી બદલી નાંખી છે. તેવામાં નવી એજન્સીના નવા સોફ્ટવેર પ્રમાણે વિદ્યાર્થી પાંચથી દસ મિનિટ પહેલા એક્ઝામ માટે લોગીન થઈ શકશે. ઓનલાઇન પરીક્ષા સમયે જો વિદ્યાર્થી ગેરરીતિ કરતો પકડાશે તો યુનિવર્સિટી ત્રણ વખત વોર્નિંગ આપવામાં આવશે.જો તેમ છતાં પણ વિદ્યાર્થી ગેરરીતિ કરશે તો સોફ્ટવેર વિદ્યાર્થીને પરીક્ષામાંથી બહાર કાઢી દેશે.
ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા કોલેજોમાં પણ પ્રોક્ટરો પણ નીમવામાં આવશે
યુનિવર્સિટીના હેડ ક્વોટરમાં મેઇન પ્રોક્ટરો તો પહેલાથી જ છે, પરંતુ હવે કોલેજ પણ પ્રોક્ટરની નિમણૂક કરવા ઇચ્છતું હોય તો નીમી શકશે. અમરોલી કોલેજમાં આવી સુવિધા ઊભી કરી દેવામાં આવી છે. અન્ય કોલેજો પણ યુનિવર્સિટીમાં અરજી કરીને પ્રોક્ટરની નિમણૂક કરવા ઇચ્છતી હોય તો કરી શકશે.
આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”
આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”