Breaking News : ધગધગતા ઉનાળે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, મોટો ફોલ્ટ ! જુઓ Video

તીવ્ર ઉનાળાની વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ ઉદ્ભવી છે, જેના કારણે લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસ સામે આક્રોશ વ્યક્ત કર્યો.

Breaking News : ધગધગતા ઉનાળે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, મોટો ફોલ્ટ ! જુઓ Video
| Updated on: Mar 12, 2025 | 5:51 PM

ઉનાળાની શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીની અછત સર્જાઈ છે, જેના કારણે લોકોને પ્રચંડ ગરમીમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ નોંધાયો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં લાઈટના મોટા ફોલ્ટના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

ટેક્નિકલ ખામીના કારણે 400 કે.વી. લાઇનમાં પણ સમસ્યા

કતારગામ વિસ્તારમાં વીજળી ઠપ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉદ્યોગોને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ટોરેન્ટ પાવરની ઓફિસ સામે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને રજૂઆતો કરી. સોર્સ લાઇનમાં ઉદ્ભવેલી ટેક્નિકલ ખામીના કારણે 400 કે.વી. લાઇનમાં પણ સમસ્યા નોંધાઈ છે, જેના કારણે સ્ટેટ લોડ જાંબુઆ ખાતે લાઇનમાં વિક્ષેપ થયો છે.

શાળાના વિદ્યાર્થીઓ અને સરકારી કચેરીઓના કામકાજ પર પણ અસર

દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, રાજપીપળા અને સુરત જેવા શહેરો ઉપરાંત વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ જેવા ગામોમાં પણ વીજ પુરવઠો બંધ રહ્યો છે. લાઈટના અભાવે શાળાના વિદ્યાર્થીઓ અને સરકારી કચેરીઓના કામકાજ પર પણ અસર પડી છે.

3461 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ચાર યુનિટ ટ્રિપ થવાના કારણે 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઠપ થયું છે, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જીલ્લાઓ, 45 તાલુકાઓ, 23 શહેરો અને 3461 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. આ પરિસ્થિતિમાં 32 લાખથી વધુ ગ્રાહકોને તીવ્ર ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

DGVCL દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે એક કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. પરંતુ આજ સુધી સ્થિતિ સામાન્ય થતી નજરે નથી પડી, જેના કારણે ઉદ્યોગો અને સામાન્ય લોકોમાં અસંતોષનો માહોલ છે.

Published On - 5:51 pm, Wed, 12 March 25