રાજકોટની ગેલેક્સી ટોકિઝ એ માત્ર રાજકોટવાસીઓ માટે જ નહીં સોરાષ્ટ્રના આસપાસના તાલુકાના લોકો માટે પણ મનોરંજનનું એક મોટુ માઘ્યમ હતી. જ્યારે મલ્ટીપ્લેક્સ થિયેટરો ન હતા એ સમયે રાજકોટની આ ગેલેક્સી સિનેમાની સાઉન્ડ સિસ્ટમ મલ્ટીપ્લેક્સને પણ ઝાંખી પાડે તેવી હતી. આ ગેલેક્સીને હવે તોડીને આધુનિક જમાનાને અનુરૂપ મલ્ટીપ્લેક્સ મુવી હાઉસ બનાવવા જઈ રહ્યા છે. છેલ્લા પાંચ દાયકાથી એ ગેલેક્સી સિનેમા તેની ટેકનોલોજીને કારણે વિખ્યાત બની હતી.
સૌરાષ્ટ્ર કચ્છની પ્રાઈડ ગણાતી ગેલેક્સી ટોકીઝની શરૂઆત સન 1968માં થઇ હતી અને પહેલું ફિલ્મ આંખે આવ્યું હતું. આ ફિલ્મના પ્રિમીયર શોમાં ધર્મેન્દ્ર માલાસિંહ અને ફિલ્મના પ્રોડ્યુસર રામાનંદ સાગર ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વર્ષ 1973માં પાકિઝા ફિલ્મના પ્રિમીયર શોમાં કમાલ અમરોહી સાથે એક્ટર રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના લોકો માટે ગેલેક્સીમાં ફિલ્મ જોવું એક સ્ટેટસ ગણાતું હતું. મલ્ટી પ્લેક્સના યુગમાં પણ ગેલેક્સીના સાઉન્ડને કારણે લોકો અહીં ફિલ્મ જોવાનો આગ્રહ રાખતા હતા.
આ સિનેમાની શરૂઆત વર્ષ 1968માં મોટી પાનેલીના વતની વાલજીભાઇ જગજીવનભાઇ ભાલોડિયા પરિવાર દ્રારા કરવામાં આવી હતી તે સમયે આ ટોકીઝ 22 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગેલેક્સીમાં શરૂઆતના સમયે 945 સીટની કેપેસીટી હતી.અહીં 1 કરોડના ખર્ચે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવી હતી જેમાં હોલિવુડ અને બોલિવુડના ફિલ્મ જોવાની મજા જ કંઇક અલગ હતી.સૌરાષ્ટ્રમાં સિંગલ સ્ક્રિનવાળા 70 MMની સુવિધાવાળા હતા બે સિનેમા હતા એક પોરબંદર અને બીજું ગેલેક્સી સિનેમા.ગેલેક્સી સિનેમા તેના ટાઇમ માટે એકદમ સચોટ હતું જે સમયે શો શરૂ થવાનો હોય તે જ સમયે શો શરૂ કરી દેવામાં આવતો હતો. હાલમાં આ રશ્મિભાઇ અને રાજેશભાઇ ભાલોડિયા તેમજ જીવનભાઇ પટેલ સંચાલકો આ સંચાલન કરી રહ્યા છે.
શરૂઆતથી રાજકોટમાં કુલ 14 જેટલી ટોકીઝ હતી જે તબક્કાવાર ધીરે ધીરે બંધ થવા લાગી હતી,રાજકોટમાં છેલ્લે ગેલેક્સી,ગિરનાર અને રાજશ્રી સિનેમા સમયની સાથે અસ્તિત્વ ટકાવી શક્યા હતા જો કે હવે ગેલેક્સી પણ સમયની સાથે પોતાનો જૂનો સાથ છોડીને નવા રંગરૂપમાં આવી રહ્યું છે જો કે આજે આ ટોકીઝ પર બુલડોઝર ફરતાની સાથે જ તેની સાથે જોડાયેલી અનેક યાદો પર બુલડોઝર ફરી વળ્યું છે.
Published On - 8:14 pm, Tue, 27 December 22