
સુરત શહેર ફરી એકવાર ખાડીપુરની ઝપેટમાં આવ્યું છે, અને આ વખતે તેની સૌથી ગંભીર અસર સરોલી અને પુણાગામ વિસ્તારોમાં આવેલા વિશાળ ટેક્સટાઇલ માર્કેટ્સ પર જોવા મળી રહી છે. ભારે વરસાદ અને ખાડીના પાણી ઓવરફ્લો થવાને કારણે આ વિસ્તારોની સેંકડો દુકાનો અને ગોડાઉનોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે કાપડ વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. આ સ્થિતિ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી સતત જોવા મળી રહી છે, પરંતુ કોઈ કાયમી નિરાકરણ ન મળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
માર્કેટની અંદર કમર સુધીના પાણી ભરાઈ જતાં વેપારીઓ પોતાનો કિંમતી માલસામાન, જેમ કે સાડીઓ અને કાપડ, બચાવવા માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઘણા વેપારીઓના ગોડાઉનમાં પાણી ઘૂસી જવાથી લાખો રૂપિયાનો માલ બગડી ગયો છે. ફર્નિચર અને દુકાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું છે. એક અંદાજ મુજબ, સરોલી અને પુણાગામ વિસ્તારોમાં 250થી 500 જેટલી દુકાનો આ પૂરથી પ્રભાવિત થઈ છે, જેમાંથી ઘણી છેલ્લા ત્રણ-ચાર દિવસથી બંધ છે. આનાથી વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સ્થાનિક વેપારીઓએ તેમની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, “દર વર્ષે આ એરિયામાં પાણી આવે જ છે અને કોઈ જવાબ મળતો નથી. આજે ચોથો દિવસ છે અને અમારો વેપાર ભાંગી પડ્યો છે.” અન્ય એક વેપારીએ ઉમેર્યું કે, “આખો ટેક્સટાઇલ માર્કેટ ખુલ્લો છે, પણ અમારી આ એરિયાની દુકાનો બધી બંધ છે. જ્યારે વેરો ને એ બધું આવે ત્યારે તો બધા લેવા આવી જાય છે વેરો, તો આ વખતે એ જ વાત થાતી હતી કે વેરો માફ કર્યો. શું કાયમી નિકાલ ન થઈ શકે?” વેપારીઓ ચિંતિત છે અને પોતાની દુકાનોની બહાર પાણી ઓસરવાની કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.
પહેલાં ખાડીપુરના પાણી સોસાયટીઓ અને ફ્લેટોમાં ઘૂસતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ટેક્સટાઇલ માર્કેટ્સને પણ સીધી અસર થઈ રહી છે, જે સુરતના અર્થતંત્ર માટે ચિંતાજનક છે. વેપારીઓની મુખ્ય માંગ ખાડીપુરના કાયમી નિરાકરણની છે. તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર પાસે ખાડી સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે અપીલ કરી રહ્યા છે, જેથી દર વર્ષે થતી આ વિનાશકારી સ્થિતિમાંથી તેમને મુક્તિ મળી શકે અને તેમનો વેપાર સુરક્ષિત રહી શકે. આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવું એ સમયની માંગ છે.
અમદાવાદમાં લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થતા રહિશોને પ્રવેશબંધી, લોકોમાં ભારે રોષ, જુઓ Video