રાજકોટમાં ફરી કોરોનાની એન્ટ્રી ! વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
ઓસ્ટ્રેલિયાથી દિલ્લી થઇને યુવતી રાજકોટ પહોંચી હતી. હાલ BF.7ના નવા વેરિઅન્ટને લઇને રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતી સંક્રમિત થઈ છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાથી દિલ્લી થઇને યુવતી રાજકોટ પહોંચી હતી. BF.7ના નવા વેરિઅન્ટને લઇને રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દર્દીએ વેક્સિન લીધી હોવાથી હાલમાં તબિયત સારી છે. કોરોના પોઝિટિવ કેસના પગલે આરોગ્ય વિભાગની ટીમે જાગનાથ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. અને યુવતીના પરિવારજનોના સેમ્પલ લીધા હતા.
BF.7ના નવા વેરિયન્ટને લઇને તપાસ કરવામાં આવશે
તો આ તરફ કોરોનાની સંભવિત નવી લહેરને પહોંચી વળવા જિલ્લા તંત્ર પણ સજ્જ થયું છે. રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનથી સજ્જ 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જમ્બો ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે. દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ઇન્જેક્શન અને દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો છે.