ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ નગરોમાં જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે તે કામો ટેકનીકલ અને એડમીનીસ્ટ્રેટીવ મંજૂરી મેળવી ૧ વર્ષમાં જ પૂર્ણ કરવાના રહેશે

ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
Gujarat CM Bhupendra Patel gives approval for water supply works in six municipalities (File Photo)
| Edited By: | Updated on: Nov 16, 2021 | 5:15 PM

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)રાજ્યના નગરો-મહાનગરોમાં સૌને પીવાનું શુદ્ધ પાણી( Drinking Water)મળી રહે તે માટે રાજ્યની ૬ નગરપાલિકાઓમાં કુલ ૬૩.૩૭ કરોડના પાણી પૂરવઠાના (Water Supply) વિવિધ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યમાં જલ જીવન મિશન ( Jal Jivan Mission) અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  નગરોમાં પાણી પૂરવઠાના વિવિધ કામો માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ર૦૩૬ની વસ્તીના અંદાજો ધ્યાને રાખીને આ પાણી પૂરવઠા યોજનાઓનું નિર્માણ

તેમાં મહુવા નગરપાલિકામાં રૂ. ર૧.૮૭ કરોડ, બાલાસિનોરમાં રૂ. ૧૩.૬૯ કરોડ, ખેડબ્રહ્મામાં ૯.૦૮ કરોડ, ઇડરમાં રૂ. ૬.૩૮ કરોડ તથા થાનગઢમાં રૂ. ૭.૭૬ કરોડ અને સિકામાં રૂ. ૪.પ૯ કરોડના કામોનો સમાવેશ થાય છે. રાજ્યના આ નગરોમાં આગામી ર૦૩૬ની વસ્તીના અંદાજો ધ્યાને રાખીને આ પાણી પૂરવઠા યોજનાઓનું નિર્માણ હાથ ધરાવાનું છે.

મહુવામાં પાણીનું વિતરણ મહિ અને નર્મદા પાઇપ લાઇનથી કરવામાં આવે છે

મુખ્યમંત્રીએ ૬ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠાના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે તેમાં મહુવા નગરપાલિકામાં જે કામો હાથ ધરાશે તે કામોમાં રર લાખ લીટરનો સંપ, રાઇઝીંગ મેઇન, ગ્રેવિટી મેઇન, વિતરણ વ્યવસ્થા વગેરેનો સમાવેશ કરાયો છે.હાલની સ્થિતીએ મહુવામાં ૧૧ એમ.એલ.ડી પાણીનું વિતરણ મહિ અને નર્મદા પાઇપ લાઇનથી કરવામાં આવે છે.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા પ્રવર્તમાન સોર્સમાંથી ૧૦.પર એમ.એલ.ડી પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. બાલાસિનોર માટે આ પાણી પૂરવઠાની યોજનાના કામોમાં ઇન્ટેકવેલ, પમ્પીંગ મશીનરી, રાઇઝીંગ મેઇન લમ્પ, પમ્પ હાઉસ, વિતરણ વ્યવસ્થા વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે.

સાબરકાંઠા જિલ્લાની  ખેડબ્રહ્મા અને ઇડર નગરપાલિકાનો સમાવેશ 

સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકામાં પૂરતા પ્રેશરથી નગરજનોને પાણી પુરૂં પાડી શકાય તે માટેની યોજનામાં મુખ્યત્વે વોટર કલેકટીંગ ચેમ્બર, રાઇઝીંગ મેઇન, ગ્રેવીટી મેઇન, ભૂગર્ભ સમ્પ, પંપ હાઉસ તથા વિતરણ વ્યવસ્થા નેટવર્ક વગેરેનો સમાવેશ થાય છે.

આ જ જિલ્લાની ઇડર નગરપાલિકામાં જે કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં જુદા જુદા વિસ્તારમાં ઊંચી ટાંકીઓ બનાવવા, પાઇપ લાઇન નાખવા તથા કલોરીનેશન એરેજમેન્ટ અને હયાત વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મરામતની કામગીરી હાથ ધરાશે. પાણી પૂરવઠાના કામો માટે અન્ય બે નગરપાલિકાઓ જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકા તથા સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

થાનગઢ નગરમાં નવા વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીનું નેટવર્ક ઉભું  કરાશે 

તદ્દઅનુસાર, થાનગઢ નગરમાં નવા વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીના નેટવર્ક માટે તથા જૂના ગામતળ વિસ્તારમાં જૂનું એ.સી પાઇપ નેટવર્ક હોવાથી નવિન યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્કા નગરપાલિકામાં છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી પુરૂં પાડી શકાય તે હેતુથી નવી પાણી પૂરવઠા યોજનામાં હેડવર્ક ડેવલપમેન્ટ સહિત સમ્પ, ઊંચી ટાંકી, રાઇઝીંગ મેઇન અને ગ્રેવિટી મેઇનની કામગીરી આવરી લેવાશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ નગરોમાં જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે તે કામો ટેકનીકલ અને એડમીનીસ્ટ્રેટીવ મંજૂરી મેળવી ૧ વર્ષમાં જ પૂર્ણ કરવાના રહેશે

આ પણ  વાંચો : ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

આ પણ વાંચો : અમદાવાદ : મોટાભાગના વેપારીઓએ જાતે જ ઇંડા-નોનવેજની લારીઓ રાતોરાત હટાવી લીધી, AMCએ કડક કાર્યવાહીની સૂચના આપી

Published On - 5:10 pm, Tue, 16 November 21