માનવ તસ્કરીના આરોપી બોબી પટેલની પૂછપરછમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. બોબી પટેલે વડોદરાના 100 જેટલા લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડ્યા હોવાનું બહાર આવ્યું છે. તો હજુ પણ 20 જેટલા લોકો અમેરિકામાં ઘુસવા માટે રાહ જોઈ રહ્યા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. આમ બોબી પટેલે છેલ્લા ત્રણ વર્ષમાં હજારો લોકોને ખોટી રીતે અમેરિકા મોકલ્યા છે. બોબી પંજાબના ચરણજીત નામના વ્યક્તિ સાથે મળીને આ સમગ્ર રેકેટ ચલાવતો હતો. તે લોકો પાસેથી અલગ અલગ રસ્તે અમેરિકામાં ઘુસવાના અલગ અલગ ભાવ વસુલતો હતો. મેક્સિકોથી જંગલના રસ્તે, નદીથી બોટમાં સવાર થઈને, પનામાના જંગલ અને પહાડોના રસ્તે તથા કેનેડા થઈને રોડ માર્ગે અમેરિકામાં ઘૂસાડવાના અલગ અલગ ભાવ વસૂલતો હતો. એક વ્યક્તિ દીઠ 70થી 90 લાખ રૂપિયા વસુલતો હોવાનું બહાર આવ્યું છે. હજુ પણ પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.
કબૂતરબાજીના સૂત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કર્યા બાદ એક નવો ઘટસ્ફોટ થયો હતો. ડિંગુચાના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોત અને ન્યૂયોર્ક પોલીસે પકડેલા બોગસ આઈ.ઈ.એલ.ટી.એસ પરીક્ષા કૌભાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો હતો. જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો પર ગુજરાત પોલીસે સર્વેલન્સ વધાર્યુ હતુ. ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતમાં કબૂતરબાજીનો મોટો ખેલાડી હોવાથી પોલીસે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. પોલીસે પોતાના બાતમીદારો એક્ટિવ કરીને તેની દરેક વિગતો એકઠી કરવા લાગ્યા હતા.
ભરત ઉર્ફે બોબી પટેલને પકડવા ઘણા સમયથી અલાયદુ ઓપરેશન એટલા માટે પણ ચલાવાઈ રહ્યું હતું કે, ડિંગુચાના ચાર સભ્યોના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોતના કેસમાં પણ તેનું નામ ચર્ચામાં આવ્યું હતુ. સૂત્રોનું કહેવું છે કે, ભરત ઉર્ફે બોબી પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મહેસાણા જિલ્લા પોલીસ, એ.ટી.એસ, એસ.ઓ.જી અને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિતની એજન્સીઓ શોધી રહી હતી. દરમિયાન એસ.એમ.સી.ના અધિકારીઓને બાતમી મળી હતી કે, ભરત ઉર્ફે બોબી પટેલ તેના ભાડજ નજીક સુપર સીટી સ્થિત ઘર પર આવ્યો છે. બાતમી મળતા જ પોલીસ ટીમ એક્શનમાં આવી અને ભરત પટેલ પકડાઈ ગયો હતો.