Rajkot : રાજકોટમાં એક યુવકે પોતાના વોટ્સએપમાં (WhatsApp) સ્ટેટસ મૂક્યું કે હું આજી ડેમ મરવા માટે જાઉં છું. મારી લાશ આજી ડેમમાંથી મળશે અને ત્યારબાદ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ કરી દેતા પરિવારજનો અને પોલીસ દોડતી થઇ છે. રાજકોટના લાતી પ્લોટ શેરી નંબર 10માં રહેતા જગદિશ સરવૈયા નામનો 35 વર્ષીય યુવાન મંગળવારે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં તેને વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું હતું અને ત્યારબાદ પોતાનો મોબાઇલ ફોન સ્વીચઓફ કરી દીધો હતો. આ મામલે યુવકના ભાઇ સંજય સરવૈયાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
યુવકે સ્ટેટ્સમાં લખ્યું છે કે, આજે હું આત્માહત્યા કરું છું મારા મરવા પાછળ કોઈ કારણ નથી. મારા ગયા પછી પોલીસ સાહેબ તમને વિનતી છે કે કોઈને હેરાન ના કરતા. મારી લાશ તમને આજી ડેમમાંથી મળી જશે. મારા મોતનું કારણ હું ખુદ છું કોઈને હેરાન ના કરતા. તેમજ બધા મિત્રોને છેલા રામ રામ કર્યા હતા.
જયારે બીજા સ્ટેટસમાં લખ્યું છે કે, મારા ઘરના બધા મને માફ કરી દે જો હું દુનિયા છોડીને જાઉં છું, મારા ગયા પછી મારી છોકરીને મારા મમ્મીનું ધ્યાન રાખજો હું જિંદગી થાકી ગયો છું મને માફ કરી દેજો મારી લાશ આજી ડેમમાંથી મળી જશે. હું પડવા જાવ છું. સોરી સોરી સરવૈયા પરિવારનું ફેમિલી સોરી માફ કરી દેજો. આ ઉપરાંત તેણે તેના પરિવારના દરેક સભ્યોની માફી માગતું સ્ટેટસ પણ મૂક્યું હતું.
બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટે TV9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ યુવકની ગુમ નોંધ મળ્યા બાદ અમે તપાસ શરૂ કરી છે.હાલમાં તેનો મોબાઇલ ફોન સ્વીચઓફ છે. બી ડિવીઝન પોલીસ અને આજીડેમ પોલીસ દ્વારા આજીડેમ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ યુવકનો કોઇ પત્તો લાગ્યો નથી. હાલમાં સર્વેલન્સની મદદથી તેની શોધખોળ કરી રહ્યા છે. આજી ડેમમાં પણ તપાસ કરતા ત્યાં કોઇ ડુબેલી વ્યક્તિ મળી આવી નથી.
આ પહેલી વખત નથી અગાઉ પણ આ રીતે એક યુવકે તરકટ રચ્યું હતું. આજીડેમ પાસે જઇને એક વિડીયો બનાવ્યો હતો અને પોતે આત્મહત્યા કરે છે તેવો વિડીયો પરિવારને મોકલ્યો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કલાકો સુધી આ યુવકની શોધખોળ કરવામાં આવી હતી અને બીજા દિવસે આ યુવક સામે ચાલીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. પોતે ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી ગયો હોવાથી દેણું થઇ ગયું હતું. જો કે, ડેમમાં પડવાની હિંમત ન ચાલી હોવાને કારણે કુદકો ન લગાવ્યો હોવાનું કહીને પોતાનો લુલો બચાવ કર્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:39 am, Thu, 27 July 23