ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે, ગણેશ ચતુર્થીનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તારીખે ઉજવવામાં આવશે, જે અંગ્રેજી કેલેન્ડર મુજબ 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર છે. આ તહેવાર દર વર્ષે આપણા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં ‘ગણેશ ચતુર્થી’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગણેશ ઉત્સવમાં એકથી એક ચડિયાતી મૂર્તિઓ હોય છે જે ઘણી મોંઘી હોય છે. લોકો મોટા પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે.
આમ તો ભગવાનની કોઈપણ મૂર્તિની કોઈ કિંમત આંકી શકાય નહીં. પરંતુ દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરે લાવે છે, સામાન્ય રીતે તેની કિંમત 100 રૂપિયાથી લઈને 500 અથવા 1000 રૂપિયા સુધીની હોય છે, પરંતુ આજે અમે મૂર્તિની કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની કિંમતનું અનુમાન સાંભળીને તમે ચોંકી જશો. આટલી મોંઘી મૂર્તિ કોની પાસે છે તે જાણવા તમે પણ ઉત્સુક હશો.
એક મીડિયા અહેવાલ અનુસાર ભગવાન ગણેશજીની અત્યાર સુધીની સૌથી મોંઘી મૂર્તિ ગુજરાતના સુરતના વેપારી રાજેશભાઈ પાંડવ પાસે છે. રાજેશ પાંડવ સુરતના કતારગામમાં રહે છે અને પોલીશીંગ યુનિટ ધરાવે છે. આ સાથે રાજેશ પાંડવ અન્ય ઘણા પ્રકારનો બિઝનેસ કરે છે. રાજેશ પાંડવ અને તેમનો પરિવાર માને છે કે જ્યારથી ભગવાન ગણેશની આ મૂર્તિ તેમના ઘરમાં સ્થાપિત કરવામાં આવી છે ત્યારથી તેઓ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યા છે.
સુરતના પાંડવ પરિવારના ઘરમાં હાજર ડાયમંડ ગણેશજીની કિંમત કરોડોમાં છે. તેની ઊંચાઈ માત્ર 2.44 સેન્ટિમીટર છે. તેને અનકટ હીરામાંથી બનાવવામાં આવી છે. આ કારણથી આ પ્રતિમાની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે દેશના સૌથી મોંઘા ગણેશજીની મૂર્તિ છે, પરંતુ આ ડાયમંડ ગણેશ રાજેશ પાંડવ માટે ખૂબ કિંમતી છે. તમને આ મૂર્તિ સામાન્ય સફેદ સ્ફટિકની મૂર્તિ જેવી લાગશે, પરંતુ વાસ્તવમાં આ એક હીરાની છે જે ભગવાન ગણેશની મૂર્તિ જેવી લાગે છે.
વર્ષ 2005માં રાજેશ પાંડવને આ મૂર્તિ દક્ષિણ આફ્રિકામાં એક હરાજી દરમિયાન મળી હતી, જો કે તેની ત્યાં એક અનકટ હીરાના રૂપમાં હરાજી કરવામાં આવી રહી હતી, પરંતુ જ્યારે રાજેશ પાંડવે તેને જોઈ ત્યારે તેણે તેમાં બાપ્પાની છબી જોઈ અને તેથી તેણે તે હરાજીમાં ખરીદ્યી લીધા. વર્ષ 2016માં સુરતના વાર્ષિક હીરા પ્રદર્શનમાં પણ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.