જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી લોકો અને ગુજરાત રાજય તેના ઈતિહાસ, મહત્વ, પરંપરા, વૈભવ અને હર્ષો ઉલ્લાસથી ઉજવાતા તહેવારો માટે આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આજે વિશ્વનો કોઈ એવો દેશ નથી જ્યા ગુજરાતીઓ ન હોય. ટૂંકમાં આ ધરતીના દરેક દેશ પર ગુજરાતી ભાષા બોલનાર ગુજરાતી વસે છે. એ જ ગુજરાતી ભાષાના મહત્વને વધાવવાનો આજ દિવસ છે. 24 ઓગસ્ટ એટલે કવિ નર્મદનો જન્મદિવસ. દર વર્ષે 24 ઓગસ્ટે કવિ નર્મદના (Poet Narmad) જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. આ મહાન કવિનો જન્મ વર્ષ 1833માં સુરતમાં થયો હતો. તેમણે ગુજરાતી ભાષાને આગળ લાવવા જીવનભર જે યોગદાન આપ્યુ તેને કારણે તેમના જન્મ દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) તરીકે ઉજવવામાં આવે છે.
ભાષાઓમાં કોઈ સ્પર્ધા ન હોવી જોઈએ. વિશ્વની દરેક ભાષાનું પોતાનું અલગ મહત્વ છે. દરેકને પોતાની ભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ અને તેણે પોતાની ભાષાનું ગૌરવ વધારવા જીવનભર કામ કરવું જોઈએ. એ હકીકત છે કે પશ્ચિમના દેશોના આંધળા અનુકરણને કારણે ગુજરાતી ભાષા પર પ્રભાવ પડ્યો છે. ગુજરાતમાં દર વર્ષે ધોરણ 10માં ગુજરાતી ભાષામાં 1 લાખ બાળકો નાપાસ થાય છે. તેવામાં આવનારી પેઢીને ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને મહત્વ વિશે જણાવવુ જરુરી છે.
વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન 24મું છે. વિશ્વમાં લગભગ 5.64 કરોડ લોકો ગુજરાતી બોલે છે. ભારતમાં સૌથી વધારે બોલતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છઠ્ઠુ છે. દેશની કુલ વસ્તીના 4.5 ટકા લોકો ગુજરાતી બોલે છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના 35 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે.
અમેરિકામાં પણ હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભારતીય ભાષા ગુજરાતી છે. યુકેના લંડનમાં ગુજરાતી ભાષા ચોથી સૌથી વધારે બોલાતી ભાષા છે. યુરોપમાં એશિયન ભાષા બોલનારા લોકોમાં ગુજરાતી બીજા ક્રમે સૌથી વધારે બોલવામાં આવે છે. ભારતમાં ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. પાકિસ્તાનના કરાચીમાં પણ 2 અખબારો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. પહેલુ વતન અને બીજુ મિલ્લત. ગુજરાતના મહાન કવિઓ અને લેખકોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. હવે એ ગુજરાતી ભાષાનો વારસો સાચવીને આખા વિશ્વમાં તેનું ગૌરવ વધારવાનું કામ આપણુ છે.