વિશ્વના એ 6 દેશ, જેની પાસે છે પોતાની નેવિગેશન સિસ્ટમ, જાણો કેવી રીતે કરે છે કામ

|

Oct 07, 2024 | 7:47 PM

વિશ્વના કેટલાક દેશોએ તેમની રાષ્ટ્રીય સુરક્ષા અને તકનીકી સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે તેમની પોતાની નેવિગેશન સિસ્ટમ્સ વિકસાવી છે. આ લેખમાં આપણે એ 6 દેશ વિશે જાણીશું, કે જેમની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે અને આ સિસ્ટમ કેવી રીતે વિકસાવી છે.

વિશ્વના એ 6 દેશ, જેની પાસે છે પોતાની નેવિગેશન સિસ્ટમ, જાણો કેવી રીતે કરે છે કામ
Navigation System

Follow us on

આજકાલ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ Google Mapથી લઈને સ્માર્ટફોન, ઓટોમોબાઈલ સુધીની દરેક વસ્તુમાં થાય છે. વિશ્વના કેટલાક દેશોએ તેમની રાષ્ટ્રીય સુરક્ષા અને તકનીકી સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે તેમની પોતાની નેવિગેશન સિસ્ટમ્સ વિકસાવી છે. આ લેખમાં આપણે એ 6 દેશો વિશે જાણીશું, કે જેમની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે અને આ સિસ્ટમ કેવી રીતે વિકસાવી છે.

1. અમેરિકા – GPS (Global Positioning System)

યુએસ દ્વારા વિકસિત GPS એ વિશ્વની સૌથી ફેમસ અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી નેવિગેશન સિસ્ટમ છે. તે સૌપ્રથમ 1978માં લોન્ચ કરવામાં આવી હતી અને 1995થી સંપૂર્ણ રીતે કાર્યરત છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા તે સૌપ્રથમ લશ્કરી હેતુઓ માટે વિકસાવવામાં આવી હતી, પરંતુ આજે તે વૈશ્વિક નાગરિક ઉપયોગ માટે પણ ઉપલબ્ધ છે.

GPS એ ઉપગ્રહ આધારિત સિસ્ટમ છે, જેમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં 31 સેટેલાઈટનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન શોધવા માટે રેડિયો સિગ્નલનો ઉપયોગ કરે છે. GPS નો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થાય છે, જેમ કે પરિવહન, આપત્તિ વ્યવસ્થાપન, એરોસ્પેસ, ટ્રાફિક નિયંત્રણ અને વ્યક્તિગત નેવિગેશન. આ સિસ્ટમ લગભગ 10 મીટર સુધીની ચોકસાઈ આપે છે અને તેનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકાય છે.

નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
આ ગુજરાતી ગાયક દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે, જુઓ ફોટો

2. રશિયા – ગ્લોનાસ (GLONASS)

રશિયાની ગ્લોનાસ (Global Navigation Satellite System) સિસ્ટમ 1982 માં સોવિયેત સંઘ દ્વારા વિકસાવવામાં આવી હતી. આ નેવિગેશન સિસ્ટમ અમેરિકાના GPSની જેમ જ કામ કરે છે. સોવિયત યુનિયન અને અમેરિકા વચ્ચે સ્પેસ રેસ દરમિયાન રશિયાએ આ સિસ્ટમ વિકસાવી હતી.

GLONASS પાસે 24 સેટેલાઈટ છે, જે પૃથ્વીથી 19,100 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ સિસ્ટમ ખાસ કરીને રશિયન લશ્કરી હેતુઓ માટે વિકસાવવામાં આવી હતી, પરંતુ હવે તે નાગરિક ઉપયોગ માટે પણ ઉપલબ્ધ છે. GLONASSનો ઉપયોગ રશિયા અને સમગ્ર વિશ્વમાં થાય છે અને તેની ચોકસાઈ GPS જેવી જ છે, જો કે તે રશિયામાં વધુ પસંદ કરવામાં આવે છે.

3. યુરોપિયન યુનિયન – ગેલિલિયો (Galileo)

Galileo એ યુરોપિયન યુનિયનની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જે 1999માં શરૂ કરવામાં આવી હતી. Galileoનો હેતુ યુરોપને અમેરિકન જીપીએસ અને રશિયન ગ્લોનાસ પર નિર્ભરતામાંથી મુક્ત કરવાનો હતો. આ સિસ્ટમને સૌપ્રથમ 2016માં કાર્યરત કરવામાં આવી હતી, પરંતુ સંપૂર્ણ રીતે 2020 સુધીમાં કાર્યરત થઈ ગઈ હતી.

Galileo સિસ્ટમમાં 30 સેટેલાઈટનો સમાવેશ થાય છે, જેમાંથી 24 કાર્યરત છે અને 6 સેટેલાઈટ રિઝર્વ છે. તેની સટીકતા લગભગ 1 મીટર સુધીની છે, જે તેને GPS અને GLONASS કરતાં વધુ સચોટ બનાવે છે. તે નાગરિક અને વ્યાપારી ઉપયોગ માટે ઉપલબ્ધ છે અને યુરોપની બહારના દેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

4. ચીન – BeiDou (BDS – BeiDou નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ)

ચીને તેની પોતાની નેવિગેશન સિસ્ટમ BeiDou વિકસાવી છે, જે 2000માં શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ ચીનની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને વૈશ્વિક તાકાતનો મહત્વનો ભાગ છે. BeiDouનું નવીનતમ સંસ્કરણ, BDS-3 2020માં સંપૂર્ણ રીતે કાર્યરત થયું અને હવે વૈશ્વિક સ્તરે નેવિગેશન સેવાઓ પ્રદાન કરે છે.

BeiDou સિસ્ટમમાં 35 સેટેલાઈટનો સમાવેશ થાય છે અને વૈશ્વિક સ્તરે 10 સેન્ટિમીટર સુધીની સટીકતા પૂરી પાડે છે. BeiDou એ ચીન માટે એક મહત્વપૂર્ણ તકનીક છે, કારણ કે તે તેને સંરક્ષણ, અવકાશ સંશોધન અને વૈશ્વિક વેપારમાં આત્મનિર્ભર બનાવે છે.

5. ભારત – NavIC (Navigation with Indian Constellation)

ભારતે તેની નેવિગેશન સિસ્ટમ NavIC 2018માં લોન્ચ કરી, જેને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ મુખ્યત્વે ભારત અને તેના પડોશી પ્રદેશો માટે બનાવવામાં આવી છે. NavIC માં 7 સેટેલાઈટનો સમાવેશ થાય છે, જે પૃથ્વીથી 36,000 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત છે.

NavICનો પ્રોજેક્ટ 170 મિલિયન ડોલરથી વધુના બજેટ સાથે 2006માં શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ 2011 સુધીમાં પૂરો થવાનો હતો, પરંતુ કેટલાક કારણોસર આ પ્રોજેક્ટ 2018માં પૂરો થયો હતો. NavIC ને અન્ય નેવિગેશન સિસ્ટમ્સથી અલગ બનાવવામાં સૌથી મોટી ભૂમિકા તે આવરી લેવાતો વિસ્તાર છે. નેવિગેટર દ્વારા 1500 કિલોમીટર સુધીનો વિસ્તાર કવર કરી શકાય છે.

હાલમાં NavIC ભારત અને તેની આસપાસના વિસ્તારોને આવરી લે છે. NavIC સેટેલાઈટ ડ્યુઅલ ફ્રીક્વન્સી બેન્ડ પ્રદાન કરે છે, જેના કારણે NavIC અન્ય નેવિગેશન પદ્ધતિઓ કરતાં વધુ સચોટ માહિતી આપે છે. જોકે હાલમાં NavIC તેની સેવાઓ માત્ર ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં છે.

NavIC નો ઉપયોગ ભારતીય સેના માટે થાય છે અને તેનો ઉપયોગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેરીટાઇમ નેવિગેશન અને એર ગાઇડન્સ માટે પણ થાય છે. NavIC 5-10 મીટરની સટીકતા ધરાવે છે અને તે ખાસ કરીને દક્ષિણ એશિયા માટે રચાયેલ છે. ટેકનોલોજીકલ સ્વ-નિર્ભરતા અને સુરક્ષાના દૃષ્ટિકોણથી ભારત માટે આ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6. જાપાન – QZSS (Quasi-Zenith Satellite System)

જાપાનની QZSS સિસ્ટમ એ એક પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ છે, જે ખાસ કરીને જાપાન અને તેની આસપાસના વિસ્તારો માટે રચાયેલ છે. તે 2018માં સંપૂર્ણ રીતે કાર્યરત થયું હતું. QZSSમાં 4 સેટેલાઈટનો સમાવેશ થાય છે, જે જાપાનના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં GPSની સટીકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરે છે.

QZSSનો મુખ્ય હેતુ GPS માટે પૂરક સિસ્ટમ તરીકે સેવા આપવાનો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ઊંચી ઇમારતોને કારણે GPS સિગ્નલ નબળા પડી જાય છે. આ સિસ્ટમ જાપાનના શહેરી વિસ્તારો માટે હાઈ સટીકતા આપે કરે છે અને તેનો ઉપયોગ પરિવહન, કટોકટી સેવાઓ અને અન્ય સેવાઓમાં થાય છે.

વિશ્વના આ 6 દેશોએ પોતાની નેવિગેશન સિસ્ટમ વિકસાવીને પોતાને ટેકનિકલી રીતે મજબૂત બનાવ્યા છે. આ સિસ્ટમો માત્ર નેવિગેશનમાં જ મદદ કરતી નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, અવકાશ સંશોધન અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે અમેરિકાનું GPS સૌથી વધુ ફેમસ અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, ત્યારે ચીન, રશિયા, યુરોપ, ભારત અને જાપાને તેમની પોતાની જરૂરિયાતો અને વ્યૂહરચના અનુસાર પોતાની નેવિગેશન સિસ્ટમ્સ વિકસાવી છે. આ સિસ્ટમ દ્વારા આ દેશો વૈશ્વિક પરિદ્રશ્યમાં તેમની સાર્વભૌમત્વ અને આત્મનિર્ભરતાને મજબૂત બનાવી રહ્યા છે.

Next Article