
Premium Tatkal Ticket : છેલ્લી ઘડીએ રેલવેમાં મુસાફરી કરવાની જરૂર ઊભી થાય અથવા તો ટ્રેન દ્વારા મુસાફરીની આવશ્યક આયોજન કરતા મુસાફરો માટે ભારતીય રેલવે દ્વારા ‘તત્કાલ’ અને ‘પ્રીમિયમ તત્કાલ’ સુવિધાઓ ઉપલબ્ધ કરે છે. ઘણા લોકો આ બંને પ્રકારની સેવા અંગે ગુંચવણ અને મૂંઝવણ અનુભવે છે. આજે અમે તેમને તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ સંબંધિત કેટલીક મહત્વની વિગતોથી વાકેફ કરાવીશું.
દરરોજ, લાખો મુસાફરો ભારતીય રેલવે દ્વારા દેશભરમાં મુસાફરી કરે છે. રેલવે સિસ્ટમ છેલ્લી ધડીની મુસાફરી માટે ‘તત્કાલ’ રિઝર્વેશન ક્વોટા સુવિધા પૂરી પાડે છે. આ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત કરવા માટે, ‘પ્રીમિયમ તત્કાલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જોકે પ્રીમિયમ તત્કાલ યોજનામાં પણ મોટાભાગના નિયમો સામાન્ય તત્કાલ જેવા જ રહે છે, પરંતુ પ્રીમિયમ તત્કાલની મુખ્ય વિશેષતા તેની ‘ડાયનેમિક ફેર’ (વધતા જતા ભાડા) પદ્ધતિ છે.
‘પ્રીમિયમ તત્કાલ’ ક્વોટા હેઠળની બેઠકો ફક્ત IRCTC પોર્ટલ અથવા એપ દ્વારા ઓનલાઇન બુક કરી શકાય છે. તે રેલવે કાઉન્ટર અથવા ટ્રાવેલ એજન્ટો દ્વારા બુક કરી શકાતી નથી. કટોકટીના સમયે કન્ફર્મ સીટ મેળવવા માટે તેને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
સામાન્ય તત્કાલમાં, વધારાનો ચાર્જ (સરચાર્જ) નિશ્ચિત હોય છે. જોકે, પ્રીમિયમ તત્કાલમાં, જેમ જેમ બાકીની બેઠકો વેચાઈ જાય છે તેમ તેમ તેની કિંમત વધતી જાય છે. જેવી રીતે એરલાઇન ટિકિટના ભાવ નિર્ધારણ હોય છે તેના જેવું જ આમા પણ હોય છે.
‘પ્રીમિયમ તત્કાલમાં’ શરૂઆતની બેઠકો ઓછા દરે ઉપલબ્ધ હોય છે, પરંતુ જો બેઠકો માત્ર ગણતરીની જ બોકી હોય ત્યા સુધીમાં ભાડું સામાન્ય તત્કાલ કરતાં બેથી ત્રણ ગણું વધારે હોઈ શકે છે. આને ‘ડાયનેમિક પ્રાઇસિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.
તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ બંને માટે, AC ક્લાસનું બુકિંગ સવારે 10:00 વાગ્યે અને નોન-AC ક્લાસનું બુકિંગ સવારે 11:00 વાગ્યે શરૂ થાય છે. સામાન્ય તત્કાલની જેમ જ, બુકિંગ વિન્ડો મુસાફરીની તારીખના એક દિવસ પહેલાં ખુલે છે. જો કે, એ જાણવું જરુરૂ છે કે, આ ક્વોટા હેઠળ કોઈ રાહત (કન્સેશન) આપવામાં આવતુ નથી અને બાળકો માટે પણ પૂરેપૂરું ભાડું વસૂલવામાં આવે છે.
સામાન્ય તત્કાલ ટિકિટ રેલવે સ્ટેશનના કાઉન્ટર પર અને ઓનલાઇન એજન્ટો દ્વારા બુક કરી શકાય છે. તેની સરખામણીમાં, પ્રીમિયમ તત્કાલ ટિકિટ ફક્ત IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા જ બુક કરી શકાય છે. ‘તત્કાલ’ યોજના માટે ટિકિટના દરો નિશ્ચિત રહે છે, જ્યારે ‘પ્રીમિયમ તત્કાલ’ માટેની કિંમતો માંગના આધારે ઝડપથી બદલાતી રહે છે. આ પદ્ધતિને ‘ડાયનેમિક પ્રાઇસિંગ’ કહેવામાં આવે છે.
જો તમે કન્ફર્મ થયેલી પ્રીમિયમ તત્કાલ અથવા તત્કાલ ટિકિટ રદ કરો છો, તો તમને કોઈ રિફંડ મળશે નહીં. સમગ્ર રકમ જપ્ત કરવામાં આવે છે. રિફંડના નિયમો ત્યારે જ લાગુ પડે છે જો ટ્રેન રદ કરવામાં આવે અથવા તેમાં નોંધપાત્ર વિલંબ થાય.