ગુજરાતમાં (Gujarat) ગરમીનો પારો વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે. 10 અને 11 મેના રોજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 10 અને 11 તારીખે 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાવાની શક્યતા છે. જે આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ ગરમી હશે. ત્યારે હવે વધતી ગરમી વચ્ચે હવામાનને લગતા ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જેવા શબ્દો વાંચવા કે સાંભળવા મળશે. આ વિવિધ કલરના કલર કોડ કે એલર્ટ શું સૂચવે છે તે જાણો છો?
આ પણ વાંચો-Gujarati Video : મુમતપુરા ઓવર બ્રિજના લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ, સામગ્રીના નમૂના લેવાશે
હવામાન ખાતા દ્વારા ઠંડી, ગરમી અને વરસાદની સીઝનમાં વિવિધ પ્રકારનાં એલર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ હોય છે. લોકોને સાવધાન કરવા માટે થઈને આ એલર્ટ આપવામાં આવે છે. આ કલર એલર્ટને આધારે લોકોને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે જાણવા મળે છે અને આવનારા જોખમ સામે સાવધાન રહેવા માટેની તૈયારી કરવાનો સમય મળે છે.
ભારતમાં ખાસ કરીને ગરમી અને વરસાદની મોસમમાં આ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે, કારણ કે ઠંડીથી વધારે ગરમી અને વરસાદ આપણને બેહાલ કરી નાખે છે. તો વિવિધ કલરના એલર્ટ શું સૂચવે છે તે અમે તમને જણાવીશું
ઉનાળામાં વિવિધ કલરના એલર્ટ હીટવેવની સ્થિતિને આધારે અપાય છે. ઉનાળામાં ભારતમાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ વધારે પહોંચી જાય છે. જો તાપમાન 45 ડિગ્રી હોય તો તેને હીટવેવ કહે છે અને તેનાથી પણ વધારે હોય તો તેને ગંભીર હીટવેવ કહે છે. સામાન્ય રીતે હીટવેવ ભારતના વિવિધ ભાગોમાં માર્ચથી જૂનની વચ્ચે આવે છે અને ક્યારેક તે જુલાઈ સુધી પણ ચાલી શકે છે.
યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં ત્યારે આવે છે જ્યારે હીટવેવ 2 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યેલો એલર્ટ એટલે કે શહેરમાં 41.1થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે.
ઓરેન્જ એલર્ટનો અર્થ થાય છે – `હવે સતર્ક રહો’. ઓરેન્જ એલર્ટમાં 43.1થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. આ પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ બે દિવસથી વધારે ચાલે છે. ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને બપોરના સમયે ઘરબહાર તથા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ઉનાળામાં રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ છ દિવસથી પણ વધારે રહે. 45 કે તેથી વધુ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અને અન્ય બીમારી થઈ શકે છે. તેથી આવા સમયમાં ખૂબ જ પાણી પીવું અને કોઈ પણ રીતે ગરમી કે સીધા તડકાથી બચવું જોઇએ.
કલર કોડમાં ચેતવણી જાહેર કરવાની પ્રણાલી ખૂબ જ કારગર હોવા છતાં પણ કેટલાક દેશોમાં અલગ રીતે ચેતવણી જાહેર કરાય છે. ઉદાહરણ તરીકે સ્વીડનનું હવામાન ખાતું ચેતવણી જાહેર કરવા માટે મોસમની સ્થિતિ ક્લાસ-1, ક્લાસ-2 અને ક્લાસ-3 તરીકે બતાવે છે. ક્લાસ-1નો અર્થ સતર્કતા થાય છે. ક્લાસ-2નો અર્થ મોસમ ખરાબ થવાનો સંકેત છે અને ક્લાસ-3નો અર્થ મોસમ બહુ ખરાબ થવાનું છે અને જાનમાલનું નુકસાન થઈ શકે છે તેવો થાય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…