Passport Verification : પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશનમાં હવે 15 દિવસનો સમય લાગશે નહીં પરંતુ માત્ર પાંચ દિવસમાં વેરિફિકેશન ઓનલાઈન થઈ જશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિલ્હી ખાતે પોલીસના 76મા સ્થાપના દિવસ પર કિંગ્સવે કેમ્પ ખાતે આયોજિત પરેડમાં સલામી લીધા બાદ પાસપોર્ટ વેરિફિકેશનની સંપૂર્ણ ઓનલાઈન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે આ પ્રસંગે દિલ્હી પોલીસમાં સામેલ કરાયેલા મોબાઈલ ફોરેન્સિક વાહનો પણ જનતાને સમર્પિત કર્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે લોકો માટે સમય ખૂબ જ કિંમતી છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મોબાઈલ ટેબલેટ દ્વારા પાસપોર્ટ એપ્લિકેશન વેરિફિકેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
Centre launches ‘mPassport Police App’ to fast tracks passport process, all verifications to take just 5 days now.
This will streamline the passport verification process and will also help for timely updation and issuance of the passports. pic.twitter.com/xmqBGbqKtt
— IANS (@ians_india) February 17, 2023
હવે પાસપોર્ટનું પોલીસ વેરિફિકેશન મોબાઈલ ટેબલેટથી થશે જેના કારણે પાંચ દિવસમાં ઓનલાઈન પોલીસ વેરિફિકેશન થઈ જશે. હવે આ માટે લોકોએ ક્યાંય જવું પડશે નહિ. અમિત શાહે કહ્યું કે એકલા દિલ્હીમાં જ દરરોજ સરેરાશ બે હજારથી વધુ પાસપોર્ટ માટે ઓનલાઈન અરજીઓ મળી રહી છે. ઓનલાઈન વેરિફિકેશનથી લોકોની સુવિધામાં વધારો થશે અને તેમની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.
અગાઉ દિલ્હીમાં પોલીસ વેરિફિકેશન માટે 14 દિવસની સમય મર્યાદા હતી. જેમાં વેરિફિકેશન માટે અરજી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અરજદારના ઘરે જતા હતા. આ પછી તે રિપોર્ટ તૈયાર કરતો હતો પછી તેને ઑફલાઇન મોડમાં મોકલતો હતો. આખી પ્રક્રિયામાં બે અઠવાડિયાથી વધુ સમય લાગતો હતો. હવે નવી પ્રક્રિયામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હશે. વિદેશ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એપને ટેબમાં સામેલ કરવામાં આવશે.
ઓનલાઈન અરજી મળ્યા બાદ પોલીસના વેરિફિકેશન ઓફિસર અરજદારના ઘરે જશે અને દરવાજા પર ઉભા રહીને સીધી એપ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતિમ રિપોર્ટ આપશે. ટેબલેટમાં જીપીએસ હશે જે એ પણ જણાવશે કે વેરિફિકેશન ઓફિસર અરજદારના ઘરે ગયા છે કે નહીં. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ એપથી એક દિવસમાં અનેક અરજદારોનું વેરિફિકેશન થઈ શકે છે. તે પેપરલેસ હોવાથી ફાઈલોની કોઈ તકલીફ પડશે નહીં.